દુર્ઘટના@સુરત: ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી 2 વર્ષના માસુમની હાલત ગંભીર, પરિવારના 3 લોકો દાઝ્યા

 
Surat Civil Hospital

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ઉન વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં બે વર્ષના માસુમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યાં બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉન વિસ્તારમાં રહેતો પરિવાર ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.સુબોધ પ્રસાદ ઉન વિસ્તારમાં પોતાની પત્ની સને બે વર્ષના માસૂમ બાળક જોડે રહે છે.ગત રોજ સુબોધ પ્રસાદ પોતાના કામે ગયા હતા.તે દરમ્યાન તેમની પત્ની ગુડિયા પ્રસાદ,બાળક સુમીત અને સાળો નિરજકુમાર ઘરે હાજર હતા.પત્ની ગુડિયા કુમારી ગેસ પર રસોઈ બનાવી રહી હતી.જે વેળાએ અચાનક ગેસ લીકેજ થતાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી.ગેસ લિકેજના કારણે આગ ફાટી નીકળતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો.

આ તરફ આ ઘટનામાં પત્ની ગુડિયા કુમારી,બાળક સુમિત અને સાળો નિરજ કુમાર ગંભીર રીતે દાઝી જતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 ને કરવામાં આવી હતી.108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ત્રણ પૈકી બે વર્ષના બાળક સુમિતની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળે છે.હાલ તો ત્રણેય ને સારવાર અર્થે હોસ્પિટલના બર્નસ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે.જ્યાં તેઓની વધુ સારવાર હાલ ચાલી રહી છે.ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.