દુ:ખદ@ગુજરાત: મોસાળમાં આવેલા 3 વર્ષીય ભાણેજ પર 7 શ્વાનનો હુમલો, અંતે બાળકનું કરુણ મોત

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ફરી એકવાર શ્વાનનો ત્રાસ સામે આવ્યો છે. વિગતો મુજબ કોડીનારમાં શ્વાને બચકા ભરતા બાળકનું મોત થયુ છે. માહિતી પ્રમાણે મામાના ઘરે આવેલા બાળકને શ્વાને બચકા ભર્યા હતા. ગઈકાલ સાંજે બાળકને શ્વાને ફાડી ખાતા મોત થયુ છે.
ગીર ગઢડાના સોનપરા ગામનું બાળક પ્રિન્સ સંજયભાઈ કામળીયા (ઉં.વ.3) પોતાના મામાના ઘરે કોડીનાર રેલવે સ્ટેશન નજીક આવ્યો હતો. જેમાં ગઈકાલ સાંજે આ ગોઝારી ઘટના બની છે. પ્રિન્સ સાંજના સમયે ઘરની બહાર રમી રહ્યાં હતો. એ સમયે બાજુમાં આવેલા બાવળોમાં રહેતા 7થી 8 જેટલા શ્વાન તેની તરફ આવ્યા હતા અને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્વાને હુમલો કરતા બાળકે બૂમાબૂમ કરી મુકી હતી. જે સાંભળીને આસપાસના લોકો આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાળકને પ્રથમ આર.એન. વાળા હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યા ડોક્ટરે તેને મૃત ઘોષિત કરતા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો.