દુ:ખદ@અમદાવાદ: રખડતા ઢોરે 72 વર્ષીય વૃદ્ધાને અડફેટે લેતા મોત, પશુ માલિક સામે ગુનો દાખલ

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં હજુય રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. વધુ એક એવી ઘટના બની જેમાં એ.એમ.સી ની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે. એ.એમ.સી અને સરકારના પાપે વધુ એક વૃદ્ધાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતી એક વૃદ્ધા હાટકેશ્વર ચાર રસ્તાથી ચાલતા ચાલતા તેમના ઘરે જતા હતા તે વખતે જોગેશ્વરી રોડ ઉપર આવેલા લવ કુશ બંગલા આગળ રોડ ઉપર આવેલા હનુમાનના મંદિર પાસે ચાલતા ચાલતા એક ગાય દોડીને આવી વૃદ્ધાને પાછળથી શીંગડુ મારતા શીંગડુ કપડામાં ભરાઇ ગયુ અને વૃદ્ધા રોડ ઉપર પડી ગયા હતાં. વૃદ્ધાને માથામાં ગંભીર પ્રકારની ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ મામલે ફરિયાદી ભોગીલાલ ભાઈએ જણાવ્યું કે, તેઓએ આ મામલે અમરાઇવાડી પોલીસને પહેલા અરજી આપી હતી. જોકે તેમાં કોઈ કાર્યવાહી કરી નહોતી. પણ મારા ભાભીનું મૃત્યુ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને અમે ફરિયાદની જીદ કર્યા બાદ પોલીસે ગુનો નોંદ્યો છે. સરકાર જે ઢોર અંકુશની વાતો કરે છે તે જરાય હકીકત નથી તે બાબતે અમે હાઇકોર્ટમાં પણ જઈશું.
વિગતો મુજબ ગાંડાભાઇ કરમણભાઇ વાઘેલાનો પરિવાર અમરાઇવાડી જોગેશ્વરી રોડ વઢીયારીનગર ખાતે રહે છે અને આ ગાંડાભાઇનું વર્ષ 2018 માં મૃત્યુ થયું હતું. જેમના પત્ની રેવીબેન ગાંડાભાઇ વાઘેલા (ઉવ.72) તેમના દીકરા તથા પરિવારજની સાથે રહેતા હતા. ગત 12.2.2023ના રોજ બપોરના સમયે રેવીબેન હાટકેશ્વરથી ચાર રસ્તાથી ચાલતા ચાલતા પોતાના ઘરે જતા હતા. જે વખતે જોગેશ્વરી રોડ ઉપર આવેલા લવ કુશ બંગલા આગળ શેડ ઉપર આવેલા હનુમાનના મંદિર પાસે ચાલતા ચાલતા જતા હતા. તે વખતે શાકા રબારીની ચાલી તરફથી એક ગાય દોડીને આવી આ વૃદ્ધાને પાછળથી શિંગડુ માર્યું હતું. જે શિંગડુ વૃદ્ધાના કપડામાં ભરાઇ જતા ગાય ભડકી હતી. બાદમાં ગાયે વૃદ્ધાને ત્યાં રોડ ઉપર પાડી દેતા માંથાના ભાગે ઇજા થઇ હતી. જેથી ત્યાંજ વૃદ્ધા બેભાન થઇ ગયેલા હતા.
આસપાસના લોકોએ ભેગા મળી ૧૦૮ વાન બોલાવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે વૃદ્ધાને મોકલી આપ્યા હતા. જે સારવાર દરમ્યાન ડોકટરે જણાવેલુ કે, વૃદ્ધાને માથામાં મુઢ ઇજાઓ તથા હેમરેજ થયેલ હતુ. જેના લીધે તેઓ કોમામાં જતા રહ્યા હતા. તેઓ બેભાન હાલતમાં હતા અને બોલી શકતા નહોતા. વૃદ્ધાની સારવાર ચાલુ હતી અને ત્યારે પરિવારજનોએ તપાસ કરતા શિંગડું મારનાર ગાય જોગેશ્વરી રોડ આદર્શનગરમાં રહેતા હરજીભાઇ રબારીની હોવાનું જણાયું હતું. જે બાબતને લઈને વૃદ્ધાના પરિવારે પોલીસને લેખિતમાં અરજી આપી હતી. જે દરમિયાન 21મીએ ફરજ પરના ડોક્ટરે વૃદ્ધાનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરતા હવે ગાયના માલિક હરજીભાઇ રબારી સામે ફરિયાદ આપતા અમરાઈ વાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.