ઘટસ્ફોટ@રાજકોટ: આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો, 1 વર્ષથી હતા અલકાયદાના સંપર્કમાં
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટ શહેરમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓ અંગે મોટો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં ઘટસ્ફોટ થયો છે કે, આ આતંકીઓ છેલ્લા એક વર્ષથી અલકાયદાના સંપર્કમાં હતા. આ સાથે એમ પણ બહાર આવ્યુ છે કે, આતંકીઓ ટેલિગ્રામ મારફતે જેહાદી પ્રવૃતિઓની સોફ્ટ કોપી મંગાવતા હતા. અત્યાર સુધીમાં અલકાયદા તરફથી કોઇ ટાર્ગેટ આપવામાં આવ્યો ન હતો.
રાજકોટના ઝડપાયેલા આતંકીઓના સંપર્કમાં આવેલા 15 યુવાનો સોની બજારના રહેવાસી છે. ગુજરાત એટીએસ દ્વારા આ લોકોના નિવેદનો લેવાયા છે. જેમા અનેક ખુલાસા થયા છે. આ પૂછપરછમાં સામે આવ્યુ છે કે, આતંકીઓ ટેલીગ્રામથી જેહાદી પ્રવૃત્તિઓ અંગે સોફ્ટ કોપી મંગાવતા હતા. આ સોફ્ટ કોપી આવી જાય તે બાદ આ લોકો ટેલિગ્રામ ડિલીટ કરી દેતા હતા. એમ પણ જાણવા મળ્યુ છે કે, અત્યાર સુધીમાં તેમને કોઇ ટાર્ગેટ અપાયો નહતો. આ ડિલીટ કરાયેલા ટેલિગ્રામમાંથી માહિતી મેળવવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે.
રાજકોટથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓ મામલે સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં પહેલા પણ અનેક સ્ફોટક ખુલાસા થયા છે. પહેલા માહિતી મળી હતી કે, ઝડપાયેલા આતંકવાદીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હતા. આતંકીઓ બંગાળી કારીગર, મુસ્લિમોને અલકાયદાના વિચારોથી પ્રેરિત કરતા હતા. આ સાથે પણ એમણે જણાવ્યુ છે કે, આતંકીઓ વધારે હથિયારો ખરીદવાની ફિરાકમાં હોવાનો પણ ખુલાસો થયો છે. આતંકીઓ પાસે હાલ રૂપિયાની વ્યવસ્થા ન હતી જેના કારણે તેઓ વધારે હથિયાર ખરીદી શક્યા ન હતા.
નોંધનીય છે કે, પકડાયેલા ત્રણેય આતંકીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટ સોની બજારમાં રહીને કામ કરતા હતા. મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઇઝ થયા હતા અને અલકાયદાનો ફેલાવો કરતા હતા. તેઓ સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને પણ આ અંગે માહિતી આપીને ઉશ્કેરતા હતા. આતંકીઓ પાસેથી એટીએસે એક પિસ્ટલ અને 10 કારતુસ જપ્ત કર્યા હતા.