તપાસ@સંતરામપુર: પ્રાંત કચેરીમાં થયેલી ટ્રેપમાં "સાહેબના" નામે લાંચ લેવાઇ, હવે સાહેબની શોધખોળ થશે

 
Santrampur Prant Office

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર પ્રાંત અધિકારીની કચેરીમાં થયેલી ચોંકાવનારી એસીબી ટ્રેપમાં ઝડપાયેલા 2માંથી એક આરોપીએ સાહેબના નામે લાંચ માંગી હતી. સાહેબે 90,000 કહ્યા હતા પરંતુ 70,000 કરાવ્યા છે એમ કહીને ખાનગી ઈસમે કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળીને લાંચ લીધી હતી. હવે સફળ ટ્રેપ બાદ તપાસ અધિકારીઓ ટૂંક સમયમાં કયા સાહેબના કહેવાથી લાંચ માંગી હતી કે કેમ તેની શોધખોળ શરૂ કરશે. સમગ્ર કેસની તપાસ કરનાર દાહોદ એસીબીના પીઆઇ ડિંડોરે જણાવ્યું હતુ કે, કોમ્પ્યુટર ઓપરેટરનો મળતિયો વ્યક્તિ વાતચીતમાં સાહેબ શબ્દ બોલ્યો હતો એટલે તેના આધારે સંતરામપુર પ્રાંત કચેરીમાં પણ પૂછપરછ થશે. વધુ શું જણાવ્યું એ પણ જાણો...

મહીસાગર જિલ્લાની સંતરામપુર પ્રાંત કચેરીમાં ગોધરા એસીબીએ જોરદાર અને સફળ ટ્રેપ કરી 70હજારની લાંચ લેતાં કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી કોમ્પ્યુટર ઓપરેટર અને તેના મળતિયાને ઝડપી લીધા હતા. જેમાં ફરિયાદ વ્યક્તિ સમક્ષ કોમ્પ્યુટર ઓપરેટરના મળતિયાએ એકબીજાના મેળાપીપણામાં એવું કહીને 70,000 ની લાંચ માંગી અને લીધી કે, સાહેબે તો 90,00 માંગ્યા હતા પરંતુ તમારા માટે છેલ્લે 70,000 નક્કી કર્યા છે. આ સાહેબ શબ્દ વાળી વાતચીત પણ એસીબી ટ્રેપમાં પુરાવા રૂપે આવી ગઈ હોવાથી તપાસ અધિકારી હવે સાહેબ નામ વાળી વ્યક્તિને શોધખોળ કરશે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે, સાહેબ નામે લાંચ લીધી તે સાહેબ આખરે પ્રાંત અધિકારીની અંદરના હોઈ શકે છે.

સમગ્ર મામલે હાલમાં તપાસ કરનાર દાહોદ એસીબીના પીઆઇ ડિંડોરે જણાવ્યું હતુ કે, હા તપાસ અમારી પાસે છે અને સાહેબ શબ્દ કોમ્પુટર ઓપરેટર સાથેના આરોપી પ્રજાજને ઉચ્ચાર્યો છે. આથી કયા સાહેબના કહેવાથી લાંચ લેવામાં આવી અને આ સાહેબ કોણ છે તેની તપાસ કરવામાં આવશે. આ સાથે પ્રાંતની કચેરીના તાબા હેઠળની કામગીરી દરમ્યાન કોમ્પ્યુટર ઓપરેટર લાંચનો આરોપી બન્યો હોવાથી તેના મળતિયાના સાહેબ કોણ છે તે શોધવા પ્રાંત કચેરીના કર્મચારીઓની પણ પૂછપરછ થશે. જોકે એક વાત સ્પષ્ટ છે કે, સાહેબ નામનો વ્યક્તિ સંતરામપુર પ્રાંત જાદવના ઓફિસ પરિસરનો જ કોઈ હોઈ શકે છે. આથી જો સાહેબ પકડાઇ જાય તો ઘટસ્ફોટ થાય કે, આટલી મોટી લાંચ બાદ આગાઉ સાહેબે કેટલી અપ્રમાણસર મિલકતો એકઠી કરી તે બહાર આવે.