બનાવ@વલસાડ: ગણેશ વિસર્જન યાત્રામાં અચાનક ઘૂસ્યો આખલો, જાણો પછી શું થયું ?
અટલ સમાચાર, ડેસ્ક
વલસાડ જિલ્લાના ધરમપુરમાં હજુ પણ રખડતી રંજાડનો આતંક યથાવત છે. આ વખતે ધરમપુરના બજારમાં નીકળી રહેલી ગણેશ વિસર્જન યાત્રામાં એક અલમસ્ત આખલો ઘૂસી ગયો હતો. આખલાએ વિસર્જન યાત્રામાં નાચી રહેલા અનેક લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ પણ ધરમપુરમાં અનેક વખત રખડતા ઢોરોએ રાહદારીઓને વાહનચાલકોને અડફેટે લઈ અને અકસ્માત સર્જ્યા હોવાના બનાવ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેમ છતાં હજુ પણ ધરમપુરમાંથી રખડતા પશુઓની સમસ્યાના સમાધાન માટે સ્થાનિક પાલિકા તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે.
ધરમપુરના મોટા બજારમાંથી વાજતે ગાજતે ગણેશ વિસર્જન યાત્રા નીકળી રહી હતી. લોકો દુંદાળા દેવને વિદાય આપવા આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા. ગણપતિ બાપ્પા મોરિયા અને ગીત ગરબાની ધૂન સાથે લોકો નાચી રહ્યા હતા અને પોતાની જ મસ્તીમાં લીન હતા. એ વખતે જ અચાનક બેફામ રીતે દોડતો આવેલો એક આખલો આ વિસર્જન યાત્રાની વચ્ચેથી તીરની જેમ પસાર થયો હતો. આ માતેલા સાંઢે વિસર્જન યાત્રામાં નાચી રહેલા ચારથી વધુ લોકોને અડફેટે લેતાં તેઓને નાની મોટી ઈજા થઈ હતી. આમ વિસર્જન યાત્રાની વચ્ચેથી આખલો પડવાની આ ઘટનાને કારણે બજારમાં દોડધામ મચી ગઈ હતી.