કાર્યવાહી@સુરત: ગ્રે-કાપડના વેપારી સાથે 56.58 લાખની ઠગાઈ મામલે એક વેપારી ઝડપાયો
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના વેડરોડના ગ્રે કાપડના વેપારી પાસેથી રૂા. 56.58 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનારા કાપડ દલાલ તેમજ વેપારી સહિત કુલ 8ની સામે ઠગાઇનો ગુનો નોંધાયો છે. બાદમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી ધરી આપોપીને ઝડપી લીધો હતો.ચોકબજાર પોલીસના જણાવ્યા પ્રમાણે, કાસકીવાડના હલદીયા શેરીમાં રોશન મંજીલમાં રહેતા ઇરફાન હુસેન ઇબ્રાહીમ ઘડીયાળી વેડરોડ ઉપર સંયોગ પાવર લૂમ્સના નામથી કાપડનો વેપાર કરે છે.
દરમિયાન તેમની મુલાકાત રીંગરોડ પર મિલેનીયમ ટેક્સટાઇલમાં મહેક ટેક્સટાઇલના નામે વેપાર કરતા વેપારી રજનીકાંત ધીરૂભાઇ વસોયા, શિવમ એન્ટરપ્રાઇઝના હિતેશ ઝાલાવડીયા, કાપડ દલાલ મેહુલ ગાંધી, શ્રી રાધે ફેશનના માલિક ઘનશ્યામ સેવાગ અને દલાલ મનીષ જરીવાલા, સરકાર ટેક્સટાઇલના માલિક રાકેશકુમાર રામપાલસિંહ નાયક અને નરેન્દ્ર અગ્રવાલની સાથે થઇ હતી.
આ તમામએ ભેગા થઇને ઇરફાનભાઇની પાસેથી રૂા. 56.58 લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને 30 દિવસમાં પેમેન્ટ આપી દેવા કહ્યું હતું. મહિના બાદ ઇરફાનભાઇએ કાપડ દલાલો તેમજ વેપારીઓ પાસેથી પેમેન્ટની ઉઘરાણી કરી ત્યારે તેઓએ ફોન સ્વીચઓફ કરી દઇને દુકાનો બંધ કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો છે.