ખળભળાટ@ગોધરા: 48 લાખના કામો માત્ર કાગળ ઉપર કરનાર મહિલા સહિત 12 વિરુદ્ધ ગુનો દાખલ, આ રહ્યા નામો

અટલ સમાચાર, ડેસ્ક
આખરે ગોધરા તાલુકાના નદીસર ગામમાં અગાઉ થયેલ મહા ભ્રષ્ટચારના આરોપીઓના નામ બહાર આવી ગયા છે. ટીડીઓએ કાંકણપુર પોલીસ મથકે સરકારી નાણાંની એકબીજાના મેળાપીપણામાં ઉચાપત મામલે ધોરણસરની ફરિયાદ નોંધાવી દીધી છે. ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસના સરેરાશ 48 લાખના કામો માત્ર કાગળ હોવાનું સ્પષ્ટ થયું છે. ગોધરા તાલુકા વિકાસ અધિકારીએ 2 પદાધિકારી અને 10 કર્મચારીઓ સામે ગુનો દાખલ કરાવતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં એવો ભ્રષ્ટચાર થયો કે જાણીને ચોંકી જશો. ગામમાં આવેલ માછી ફળિયાના રહીશો રસ્તા સહિતની સુવિધાઓના અભાવે હાલાકી ભોગવી રહ્યા હતા. આથી રહીશોએ ગ્રામ પંચાયતના સત્તાધીશો સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહિ આવતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલી વચ્ચે તાલુકા અને જિલ્લામાં રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કરતાં હતા. આ તરફ વિકાસના કામોની મોટી રકમ ફાળવવામાં આવી છતાં કામો કેમ નહિ થયાની બૂમરાણ આખરે રાજકીય અને વહીવટી સમક્ષ જતાં તપાસનો વિષય ઉભો થયો હતો.
નદીસર ગામમાં થયેલ વિકાસ કામોમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી હોઈ શકે તેવી શક્યતાને પગલે તમામ કામોની સ્થળ તપાસ માટે શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પત્ર લખ્યો હતો. આથી પંચમહાલના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ટીમો બનાવી નદીસર ગામમાં વર્ષ 2015 થી 2020 સુધીમાં થયેલ 14માં અને 15માં નાણાંપંચના કામોની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન, કુવા અને બોર સહિતના કામોની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. વર્ષ 2015થી વર્ષ 2020 સુધીમાં થયેલ 33 જેટલા કામોની ચકાસણી કરતાં 19 કામો સ્થળ ઉપર નહોતા. આથી આ તમામ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરેલ હોવાની ખાત્રી કરવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ નદીસર ગ્રામ પંચાયતમાંથી રેકર્ડ જપ્ત કરીને તપાસ હાથ ધરવામાં આવતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
જેમાં કેટલાક કોરા બીલ પણ મળી આવતાં ભ્રષ્ટાચારનો મસમોટો ભાંડો ફૂટ્યો હતો. આ કોરા બીલમાં માત્ર રકમ લખી તેનું ચૂકવણું કરવામાં આવ્યું હતુ અને આ બીલોનું સ્થળ ઉપર કોઈ જ કામ ના થયાનુ બહાર આવ્યું હતુ. માત્ર કાગળ ઉપર વિકાસના કામો બતાવી 48,19,661 રૂપિયાનું ચુકવણું કરવામાં આવ્યું હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતુ. તપાસ ટીમે આ અંગેનો અહેવાલ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે બારીયાને સુપરત કર્યો હતો. આ પછી જિલ્લા વિકાસ અધિકારીએ આખરે સરકારી નાણાંની ઉચાપત અંગે ગોધરા તાલુકા વિકાસ અધિકારીને કૌભાંડમાં સામેલ 2 પદાધિકારી અને 10 કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. આ ભ્રષ્ટાચારમાં એક નિવૃત્ત નાયબ કાર્યપાલક ઈજનેર, એક નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર, બે તત્કાલીન સરપંચ, ચાર તત્કાલીન તલાટી સહિત કુલ 12 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ રહ્યા કૌભાંડના આરોપીઓ
1. ડાહ્યાભાઈ રૂમાલભાઈ પરમાર સરપંચ, વર્ષ 2015-16
2. રેખાબેન વિજયભાઈ માછી
સરપંચ, વર્ષ 2016-2022
3. આર.એમ.બારીયા
તલાટી કમ મંત્રી, વર્ષ 2013 થી 2016
4. પી.વી.પારેખ
તલાટી કમ મંત્રી, વર્ષ 2017-18
5. એ.પી.મછાર
તલાટી કમ મંત્રી, વર્ષ 2018 થી 2020
6. સી.વી.સુથાર
અધિક મદદનીશ ઈજનેર
7. બી.કે બારીયા
તલાટી કમ મંત્રી, વર્ષ 2016-2018
8. કે.એસ પટેલ
અધિક મદદનીશ ઈજનેર
9. ધીરેન્દ્રસિંહ રાઠોડ
અધિક મદદનીશ ઈજનેર
10. એ.જી.ધીંગા
અધિક મદદનીશ ઈજનેર
11. એ.એ.નાથાણી
નાયબ કાર્યપાલક ઈજનેર
12. એચ.એ ખાતુકા
અધિક મદદનીશ ઈજનેર અને ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર