ખળભળાટ@લુણાવાડા: નાગરિકને હેરાન કરનાર વનવિભાગના 4 કર્મચારી વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ, કુલ 15 આરોપી

 
Mahisagar

અટલ સમાચાર, મહીસાગર 

મહીસાગર જિલ્લામાં એક ચોંકાવનારી  ઘટના સામે આવી છે. વિગતો મુજબ મહિસાગર જીલ્લાના સંતરામપુર વનવિભાગના 15 કર્મચારીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરીયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વાલ્મિકી સમાજના ખેડૂતને હેરાન કરનારા વન વિભાગના 15 કર્મચારીઓ સામે પુરાવાના આધારે લુણાવાડા સેસન્સ કોર્ટ દ્વારા ગુનો નોંધવા આદેશ કરાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Mahisagar

આ ઘટનાની વિગત જોઈએ તો સંતરામપુર વન વિભાગના 15 જેટલા કર્મચારીઓએ વાલ્મિકી સમાજના ખેડૂતને હેરાન કરવાનું શરુ કર્યું હતું. વન વિભાગના પોતાના ઉપલા અધિકારીને અંધારામાં રાખીને જ વન વિભાગના આ 15 કર્મચારીઓએ ખેડૂતને હેરાન કરવાનું શરુ કર્યું હતું. વાલ્મિક સમાજના ખેડૂતને જંગલની જમીન સરકાર દ્વારા જ આપવામાં આવી છે અને તે જમીન પર ખેડૂતે છાપરું બાંધ્યું હતું. જેને લઇ તે આ જમીન પર છાપરું કેમ બાંધ્યું છે તેમ કહીને કર્મચારીઓએ ખેડૂતને હેરાન પરેશાન કર્યો હતો.

Santrampur Police

સૂત્રોએ જણાવ્યું હતું કે, બદઇરાદાથી વન વિભાગના 15 કર્મચારીઓએ ખેડૂતને હેરાન કરી 20000 રુપીયાની રકમ માગી હતી પણ ખેડૂતે રકમ ના આપતાં ખેડૂતે જંગલની જમીન પર બાધેલું છાપરું આ વન વિભાગના કર્મચારીઓએ તોડી પાડ્યું હતું અને ટેમ્પો ભરીને તેનો સામાન પણ વન વિભાગની ઓફિસે લઇ ગયા હતા. આ કર્મચારીઓએ ખેડૂતનું જાતિ વિષયક અપમાન પણ કર્યું હતું.

સૌથી મહત્વની બાબત એ છે કે, આ બાબતે પુરાવાના આધારે લુણાવાડા સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધવા આદેશ કરાયો હતો જેના પગલે પોલીસે સંતરામપુર વન વિભાગના 15 કર્મચારીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરુ કરતાં ખળભળાટ મચી ગયો હતો.