પ્રેમપંખીડા@ગુજરાત: પોલેન્ડની લાડી અને ખડિયાનો વર, જૂનાગઢનો ખેડૂત યુવક વિદેશી યુવતી સાથે સાત ફેરા ફરશે

 
Junagadh

અટલ સમાચાર, ડેસ્ક

જૂનાગઢ જીલ્લાના ખડિયામાં તા. 6 માર્ચ 2024 ના રોજ પોલેન્ડની યુવતી એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા ગામનાં આહીર યુવાન અજય અખેડ સાથે લગ્નગ્રંથિથી જોડાશે. જૂનાગઢની બાજુમાં આવેલા ખડિયા ગામમાં રહેતા અને ખેતી કરતા પરબતભાઇ કાનાભાઈ અખેડનો પુત્ર અજય પોલેન્ડ ભણવા ગયો હતો. પછી ત્યાંની ગડાંસ બેંકમાં નોકરી મળતાં ત્યાંજ સ્થાયી થયો. ભણતર અને નોકરી દરમયાન પોલેન્ડની એલેક્ઝાન્ડ્રા પહુસ્કા નામની બોઇંગ કંપનીમાં સ્પેશીયલ ટેકનીશીયન તરીકે નોકરી કરતી યુવતી તેના પરિચયમાં આવી. બંનેની મૈત્રી સમય જતા પ્રેમમાં પરિણમી આથી હવે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

અજય જાહીબેન અને પરબતભાઈનો એકનો એક દીકરો છે આથી તેઓની ઇચ્છા એવી છે કે, બંને અહીં ભારતીય વિધિ વિધાન પ્રમાણેજ લગ્ન કરે. આથી ગુરુદેવ બાપુની ઝુંપડી ખડિયા મુકામે લગ્ન કરશે. આ માટે એલેક્ઝાન્ડ્રા પાહુસ્કાના મિત્રો અને પરિવારજનો પણ પોલેન્ડથી આવશે. એલેક્ઝાન્ડ્રાના મોટા બહેન મોનિકા અને આનના પિતા સ્ટેની સ્લાવ સાથે અહી આવી પહોંચ્યા છે. એલેક્ઝાન્ડ્રાનું કન્યાદાન ડો. સુભાષ મહિલા કોલેજના કર્મચારી રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન કરશે. વિદેશી યુવતી સાથે ખડિયાના યુવકના લગ્ન અંગે આહીર સમાજમાં ઉત્સુકતા છે.

એલેક્ઝાન્ડ્રાની માતાનું નામ બોઝેના પાહુસકા અને પિતાનું નામ સ્ટેની સ્લાવ પાહુસકા છે. લગ્નની તૈયારી રૂપે કન્યાદાન કરનાર રાયસીભાઈ અને મનીષાબેન એલેક્ઝાન્ડ્રાને આપણા ભારતીય પહેરવેશ, આહીર પહેરવેશ, લગ્નના રીત રિવાજ પરંપરાગત આભૂષણો અને વિધિ વિધાનો વિષે માહિતી આપી રહ્યા છે. તે પણ એટલીજ ઉત્સુકતા સાથે હિંદુ રીત રીવાજ સમજવાનો પ્રયાસ કરી રહી છે. તેને હિંદુ ધર્મમાં આસ્થા છે અને અહીની ભાષા શીખવાનો પણ પ્રયત્ન પણ કરી રહી છે.

અજયના માતા જાહીબેનને ધર્મની બહેન માનતા રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન સિંહાર છેલ્લા 30 વર્ષથી પરબતભાઈ અખેડના પરિવાર સાથે જોડયેલા છે. એમના કહેવા મુજબ અમારું અહોભાગ્ય છે કે, પરબતભાઈએ અમને કન્યાદાતા બનાવ્યા. એક વિદેશી યુવતીનું કન્યાદાન અમારા જીવનની યાદગાર પળ હશે. છેલ્લા પંદર દિવસથી એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા આમારી સાથે છે. જે આપણા દેશી રોટલી, રોટલાં શાકભાજી આરોગી રહી છે. એમને ભારતીય પહેરવેશ ખાસ કરીને આહીરોનો પહેવેશ અને આભૂષણ ખૂબ ગમે છે તેમ કહી ઉમેર્યું હતું કે, હિન્દૂ રીતરિવાજ એક આદર્શ પ્રણાલી છે.