બ્રેકિંગ@ગુજરાત: વલસાડથી સુરત જતી ગંગાનગર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી
અટલ સમાચાર, ડેસ્ક
વલસાડથી સુરત જતી એક ટ્રેનમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. વલસાડના છીપાવાડ વિસ્તારથી દેખાઈ રહી છે આ ટ્રેન..જેમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. વલસાડના રેલવે વિભાગ દ્વારા સાઇરન વગાડીને જાણકારી આપવામાં આવી રહી છે. વલસાડ નજીક શ્રી ગંગાનગર એક્સપ્રેસમાં એન્જિન પછીના બે ડબ્બામાં ભીષણ આગ લાગી ગઈ હતી. જોકે આગમાં કોઈ જાનહાનીનો બનાવ સામે આવ્યો નથી. એસી ડબ્બામાં આગ લાગતા, ઝડપથી સમગ્ર ડબામાં પ્રસરી ગઈ હતી. સલામત રીતે મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે. વલસાડ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામા આવી રહ્યો છે.
હાલ પૂરતી તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. જેથી ટ્રેન વ્યવહાર પર પણ અસર થઈ છે. તમામ ટ્રેનો એક કલાકથી લઈને બે અને ત્રણ કલાક સુધી મોડી ચાલી રહી છે. અપ અને ડાઉન બંને લાઈનનો ટ્રેન વ્યવહાર હાલ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. ટ્રેનમાં એટલી ભીસણ આગ લાગી હતી કે, દૂર દૂર સુધી આગના ધુમાડા જોઈ શકાતા હતા. લગભગ એકથી દોઢ કિલોમીટર દૂર સુધી ધુમાડા દેખાઈ રહ્યા હતા. જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. જોકે અત્યાર સુધીમાં સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઈજા જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.