હવામાન@ગુજરાત: રાજ્યના ખેડૂતોને રાહત આપતી આગાહી, સપ્ટેમ્બરમાં થશે મેઘમહેર

 
Paresh Goswami

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વરસાદની ઘટ રહી છે. છેલ્લા કેટલાય વર્ષોની સરખામણીમાં ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ બ્રેક ઓછો વરસાદ થયો છે. જોકે, આ સિઝનમાં જૂન અને જુલાઇ મહિનામાં સારો વરસાદ થયો હતો. આ સાથે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે એમ પણ જણાવ્યુ છે કે, જુન અને જુલાઇમાં જેવો વરસાદ થયો હતો તેવો જ ધમાકેદાર વરસાદ સપ્ટેમ્બરનાં ત્રીજા અઠવાડિયામાં થાય તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, બંગાળની ખાડીમાં કોઇ સારી સિસ્ટમ ડેવલોપ થઇ નથી. બે અથવા તો ત્રણ સપ્ટેમ્બરના રોજ સિસ્ટમ સક્રિય થશે અને લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધશે. જેનાથી હવે બે સપ્ટેમ્બરની આસપાસ સિસ્ટમ તૈયાર થશે. એકથી પાંચ સપ્ટેમ્બરમાં વરસાદ જોવા નહીં મળે. પરંતુ પાકને જીવનદાન મળી શકે છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, પાંચથી આઠ-નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ જોવા મળે તેવી શક્યતા છે. આ વરસાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 16થી 23 સપ્ટેમ્બર સુધીના સેશનમાં એટલો વરસાદ પડશે કે, અત્યાર સુધીમાં જેટલી પાણીની ઘટ આવી ગઇ છે કે, બોર કુવામાં પાણીની તળ જે નીચે જતા રહ્યા છે તે પણ ઉપર આવશે અને છલકાવી દેશે.

આ સાથે તેમણે ખેડૂતો માટે સંદેશ આપતા તેમણે જણાવ્યુ કે, એકથી પાંચ સપ્ટેમ્બર સુધીમાં વધુ વરસાદની આશા નથી રાખવાની. પાંચથી નવ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ આવશે. જો પાંચ સપ્ટેમ્બર સુધીમાં તમારો પાક ટકી શકે એમ ન હોય. તો પિયત આપવાનું ચાલુ રાખજો. બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા બુધવારે સાત દિવસની આગાહી કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, માત્ર દક્ષિણ ભાગના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની શક્યતાઓ લગભગ નહિવત હોવાનું જણાવવામાં આવ્યું છે.