ગૌરવ@ગુજરાત: આજે મિત્રતા દિવસ, એવો મિત્ર કે તેના મિત્રની મૂર્તિ બનાવી કરે છે પૂજા
અટલ સમાચાર, ડેસ્ક
મિત્રતા માટે કહેવત છે કે, મિત્ર હોય તો ઢાલ સરીખો હોય, દુઃખમાં હંમેશા સાથ આપે. કૃષ્ણ અને સુદામાની મિત્રતાને ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ એક મિત્રતા છે જેતપુરના મિત્રની. એક મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધી અને બીજો એને આજે ભગવાનની જેમ પૂજે છે.
રાજકોટ જિલ્લાના જેતપુરના સ્મશાનમાં અનેક મૂર્તિઓ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે. અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે. એ વ્યક્તિ છે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલ ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈનો રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાનમાં આવે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે, ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે, તે કોઈ ભગવાનની મૂર્તિ નથી પરંતુ તે છે ચંદુભાઈના પરમ મિત્ર અપ્પુ જોગરણા. અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના મિત્રો છે અને બન્ને જીગર જાન મિત્રો હતા.
બન્ને એકબીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા, બન્ને મૂળ ભાવનગરના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા. એક વખત અપ્પુભાઈનું એક્સીડેન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પહોચે તે પહેલાં જ અપ્પુભાઈ એ આ દુનિયા છોડી દીધી હતી. ચંદુભાઈને કોઈ જગ્યાએ ચેન પડે નહીં અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે. કોઈ મુશ્કેલી હોય, કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈના અટકેલા કામ પુરા થાય. ચંદુભાઈને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહીને દરેક કામમાં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી. હંમેશા પોતાના દિલમાં વસી ગયેલા અપ્પુને કાયમ જીવંત રાખવા માટે ચંદુભાઈને કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમણે તેમની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી.
આજે પણ ચંદુભાઈ દિવસની શરૂઆત અને ઘરેથી નીકળે એટલે પ્રથમ તે તેના મિત્રની પુજા કરીને જ કરે છે. ચંદુભાઈ પોતાના જીગર જાન મિત્રના નામ ઉપર અપુ કન્ટ્રેક્શન, અપુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈપણ નવું સાહસ કરે તો તેમના મિત્રના નામ ઉપર રાખે. પોતાના મિત્ર અપુ ભાઈના નામ ઉપર બટુક ભોજન. સમૂહ લગ્ન પણ પોતાના મિત્ર ચંદુભાઈના નામ ઉપર દર વરસ કરાવે છે, ત્યારે જેતપુરમાં ચંદુભાઈની મિત્રતાને લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે. ચંદુભાઈ અને તેમના જીગરજાન મિત્રના જોગાના જોગ જન્મદિવસ એક જ દિવસે છે. ચંદુભાઈ પોતાનો જન્મદિવસ હોઈ ત્યારે સ્મશાન આવી પોતાના મિત્ર સાથે કેક કાપી મિત્ર સાથે જન્મદિવસ ઉજવણી કરે છે. આજે ફ્રેન્ડશિપ ડે હોઈ ત્યારે ચંદુભાઈ પોતાના મિત્રને બહુ યાદ કરે છે અને સ્મશાન જઈ પોતાના મિત્રને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે અને પોતાના મિત્ર સાથે કેક કાપી ઉજવણી કરે છે.