ઘટના@સુરત: બ્રિજ નીચે ફસાયું મસમોટું જહાજ, દરિયાથી પાણીના વહેણમાં આવેલ જહાજ હવે કઈ રીતે નિકળશે બહાર ?
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના મગદલ્લા બ્રિજ નીચે મોટું જહાજ ફસાવાની ઘટના બની છે. વિગતો મુજબ બ્રિજની નીચેથી પસાર થઈ રહેલું કોલસા ભરેલું જહાજ ફસાઈ ગયું છે. પોર્ટ પર કોલસા ખાલી કરવા માટે આ જહાજ આવ્યું હતું અને બ્રિજની નીચે ફસાઈ ગયું હતું. હવે આ જહાજ ક્યારે બહાર નીકળી શકશે તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ તરફ બ્રિજની નીચે જહાજ ફસાઈ જવાના કારણે બ્રિજને કોઈ નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે. જહાજ ફસાઈ જવાની ઘટના બનતા અહીંથી પસાર થતા વાહન ચાલકોના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા હતા. કોલસા ભરેલું જહાજ આજે સવારે 9 વાગ્યાની આસપાસ ફસાયું હોવાની ઘટના બની હતી. હવે જ્યારે ઓટ આવશે ત્યારે બ્રિજ નીચે ફસાયેલું જહાજ નીકળી શકશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ જહાજ દરિયા તરફથી બ્રિજ પાર કરીને તાપી નદીમાં આવી ગયું છે માટે બ્રિજને નુકસાન થયાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. બપોર પછી દરિયામાં પાણી ઘટશે પછી આ જહાજ બહાર નીકળી શકશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. એવું પણ માનવામાં આવે છે કે જે જહાજ અહીં આવે તે લંગર નાખવાનું ચૂકી જતા વહેલી સવારે જહાજ તણાઈને આગળ વધવા લાગતા હોય છે. તાપી નદી દરિયાને મળે છે તે જગ્યા પર જહાજ ફસાઈ જવાની ઘટના બની છે, જે હવે ભરતી આવ્યા બાદ બહાર કાઢી શકાય તેમ છે.