કાર્યવાહી@અમદાવાદ: સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ખુલાસો
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા કેનેડાથી આવતા ડ્રગ્સને ઝડપી લેવામાં આવ્યું છે. રમકડા અને પુસ્તકોમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. આ ઓપરેશનમાં 2.31 લાખનું કોકેઇન અને 46 લાખની કિંમતના 5.97 કિલો કેનાબીજ કબ્જે કર્યા હતા. પુસ્તકના પત્તાને ડ્રગ્સમાં પલાળી દેશ-દુનિયામાં મોકલવામાં આવતું હતું. આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની મારફતે ડ્રગ્સને ટ્રાન્સફર કરવામાં આવતું હતું. ડાર્ક વેબથી ઓર્ડર આપીને ડ્રગ્સને મેળવવામાં આવતું હતું.
પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોને આપવાનું હતું અને કોના દ્વારા મંગાવવામાં આવતું હતું તે તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે ડાર્ક વેબ અને ઓનલાઇન ડ્રગ્સ વેચાણનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાં બેઠેલા ડ્રગ્સ ડિલરો સામે ગાળિયો કસવામાં આવ્યો છે. પાર્ટી ડ્રગ્સ મોકલવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કેનેડા, અમેરિકા અને ફૂકેતથી ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. પુસ્તકો અને રમકડાંમાં આ ડ્રગ્સ મોકલવામાં આવતું હતું. ઇન્ટરનેશનલ કુરિયર કંપની દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. ડ્રગ્સ મોકલાવનાર અને ખરીદનારની યાદી પણ મેળવવામાં આવી છે.