ખળભળાટ@રાજપીપળા: સરકારી શાળામાં ટેન્ડર વિના કરોડોના ખર્ચે બનાવ્યું રસોડું, એક ગ્લાસ 940નો

 
Narmada

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચારની એક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ગત દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે મુદ્દો સંકલન બેઠકના દિવસે ઉઠાવ્યો હતો તેની વિગતો મેળવતાં સંગઠિત રીતે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નિયત ટેન્ડર પ્રક્રિયા વગર મનસ્વી રીતે સપ્લાયરો પસંદ કરી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. જેમાં એક ગ્લાસની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. મદદનીશ આદિજાતી કમિશનરની કચેરીના સત્તાધિશોએ એક ગ્લાસનો ખર્ચો 940 પાડ્યો છે. આટલું જ નહિ, ગ્રાન્ટ આપનાર પ્રાયોજના કચેરીને વર્ક ઓર્ડર જોઈ આશંકા જતાં પત્ર લખી માહિતી માંગી તો કોઈ સંતોષકારક જવાબ આપતાં નથી. ગેરરીતિ, ઉચાપત, સરકારને ગેરમાર્ગે દોરવા સહિતની બાબતો જણાતી હોઈ કાર્યવાહી થાય તેવો કેસ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ.......

નર્મદા જિલ્લાના રાજપીપળામાં સરકારી મોડલ સ્કૂલના કિચનમાં જે ભ્રષ્ટાચાર થયો છે તે ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2021-22 દરમ્યાન કેન્દ્ર સરકારની 275(1)ની ગ્રાન્ટ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગને આવી હતી. આ વિભાગે સદર ગ્રાન્ટ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં બનેલી 2 મોડલ સ્કૂલ અને ગરૂડેશ્વર તાલુકાના ગોરામા બનેલી મોડલ સ્કૂલના અત્યાધુનિક રસોડામાં ખર્ચ કરવા આપી હતી. આથી રાજપીપળાની પ્રાયોજના વહીવટદારની કચેરીએ આ ગ્રાન્ટ મદદનીશ આદિજાતી વિકાસ કમિશ્નરની કચેરીને આપી હતી. હવે આ કચેરીના તત્કાલીન કમિશનર અને મળતિયાઓએ ત્રણ સ્કુલના 2 રસોડામાં ફર્નિચર અને જરૂરી ચીજવસ્તુઓ ચોંકાવનારા ભાવથી ખરીદી હતી. એક ગ્લાસની કિંમત 940, ચમચી મોટીની કિંમત 940, થાળીની કિંમત 940 અને બ્લેન્કેટની કિંમત 1800થી વધુના ખર્ચે કરી છે. માન્યામાં ના આવે એવા અતિ ઉચ્ચ ભાવથી ખરીદી થઈ હોવાનું સામે આવતાં દોડધામ મચી ગઇ છે. સૌપ્રથમ તો પ્રાયોજના વહીવટદારની કચેરીને ધ્યાને આવતાં કોની પાસેથી અને કેવી રીતે ખરીદી કરી તે જાણવા પત્ર લખ્યો હતો. હવે ભ્રષ્ટાચાર બહાર આવવાનો ખેલ અહીંથી શરૂ થાય છે.

Narmada

2 હાયજેનિક કિચનની ચીજવસ્તુઓમાં સરેરાશ 2 કરોડથી વધુ ખર્ચ કરનાર મદદનીશ આદિજાતી વિકાસ કમિશ્નરની કચેરી વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થાય છે. આથી પ્રાયોજના વહીવટદારની કચેરીએ પણ ખરીદીનો વર્ક ઓર્ડર જોઈ ચોંકી ઉઠી હતી. જેથી પ્રાયોજના વહીવટદારની કચેરીએ તાત્કાલિક અસરથી ટેન્ડર પ્રક્રિયા કેવી રીતે કરી, સમગ્ર ખરીદી કેવી રીતે કરી તેની વિગતો માંગી છે. છેલ્લા એક વર્ષથી વારંવાર પત્રો લખી માહિતી માંગી રહેલી પ્રાયોજના વહીવટદારની કચેરીને સંતોષકારક જવાબ મળ્યો નથી. એક બે નહિ પરંતુ 7 પત્રો લખ્યા કે, કેવી રીતે ભાવ નક્કી કર્યા અને ટેન્ડર પ્રક્રિયા કેવી રીતે કરી તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. આવી સ્થિતિમાં મદદનીશ આદિજાતી વિકાસ કમિશ્નરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે.

Narmada

તુરંત પોલીસ ફરિયાદ થાય તેવું કૌભાંડ

પ્રાયોજના વહીવટદારની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રસોડા માટે 2 કરોડથી વધુની ચીજવસ્તુઓ ખરીદી કરી પરંતુ ટેન્ડરની નકલ મળી નથી. એટલે કે જોગવાઈ મુજબની ટેન્ડર પ્રક્રિયા વગર મનસ્વી રીતે અન્ય જિલ્લાના સપ્લાયરોને વર્ક ઓર્ડર આપી દીધો હતો. પ્રાથમિક તપાસમાં અનેક શંકાઓ હોવાથી અને 7 પત્રો લખ્યા છતાં સંતોષકારક જવાબ નહિ આપતાં હવે ડીઓ લેટર અને ત્યારબાદ કમિશનરને જાણ કરી ધોરણસરની કાર્યવાહી કરવાની તૈયારી થઈ રહી છે. સમગ્ર કેસ જોતાં જાણકારો માની રહ્યા છે કે, જો પારદર્શી તપાસ થાય તો સીધી પોલીસ ફરિયાદ થાય તો નવાઈ નહિ.