બજેટ@2023: રાજ્યના 71 લાખ રેશનકાર્ડ ધારકો માટે મોટી જોગવાઇ, જાણો એક જ ક્લિકે

 
Kanubhai Desai

અટલ સમાચાર, ડેસ્ક આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ છે. તેવામાં આજે નાગરિકોની નજર ગુજરાતના બજેટ પર છે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર તેમના માટે કઇ મહત્વની જાહેરાતો કરશે. ગુજરાત સરકાર 2.0ના બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ૨૧૬૫ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં પાત્રતા ધરાવતાં કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરી તેમને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા NFSA કુટુંબોને છેલ્લા ત્રણ વર્ષમાં વિનામૂલ્યે અનાજ પૂરું પાડી કોરોનાના કપરા કાળમાં સરકાર ગરીબો માટે મદદરૂપ થઇ છે. અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઇમાં ૨૪ % નો વધારો સૂચવવામાં આવ્યો હતો. આગામી વર્ષ માટે વિભાગની જોગવાઇમા ૪૨% જેટલો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બજેટમાં જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ૭૧ લાખ રેશનકાર્ડ ધારક NFSA કુટુંબોને અન્ન વિતરણ કરવા ૬૧૭ કરોડની જોગવાઇ. ઉજ્જવલા યોજના અંતર્ગત સમાવેશ કરી રાજ્યના અંદાજે ૩૯ લાખ કુટુંબોને રાંધણગેસ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પરિવારોને દર વર્ષે બે રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવા ૫૦૦ કરોડની જોગવાઇ. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત NFSA કુટુંબોને તુવેર દાળ રાહત દરે આપવા માટે ૨૭૭ કરોડની જોગવાઈ. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ખાદ્યતેલનું વિતરણ કરવા ૧૨૮ કરોડની જોગવાઇ.

આ સાથે NFSA કુટુંબોના આહારમાં પ્રોટીનની માત્રા વધારવા માટે કુટુંબદીઠ દર માસે ૧ કિ.ગ્રા. ચણા વિતરણ રાહતદરે રાજ્યના ૭૫ તાલુકાઓમાં કરવામાં આવે છે. આ કાર્યક્રમનો વ્યાપ વધારી હવે સંપૂર્ણ રાજ્યમાં અમલ કરવામાં આવશે. જે અંતર્ગત ૮૭ કરોડની જોગવાઇ. સૂક્ષ્મ પોષક તત્વોયુકત ડબલ ફોર્ટીફાઇડ મીઠા (આયર્ન + આયોડીનયુકત)ના વિતરણ માટે ૬૮ કરોડની જોગવાઇ. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અન્ન વિતરણને વધુ પોષણલક્ષી બનાવવા હાલમાં ૧૪ જિલ્લામાં ફોર્ટીફાઇડ ચોખા(ફોલીક એસીડ + આયર્ન + વિટામીન બી-૧૨ યુકત)નું વિતરણ કરવામાં આવે છે, જેનો વ્યાપ વધારી હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ફોર્ટીફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે. જેના માટે ૬૦ કરોડની જોગવાઈ. અન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા તેમજ આહારમાં તેનો સમાવેશ કરવા બાજરી, જુવાર, રાગી(નાગલી) વગેરેની જાહેર વિતરણ વ્યવસ્થાથી વિતરણ કરવામાં આવશે. આ હેતુસર જરૂરી જથ્થાંની ખરીદી ખેડૂતો પાસેથી કરવા પ્રોત્સાહન આપવા માટે ૩૦ કરોડની જોગવાઇ.