ગંભીર@પાંથાવાડા: ખેડૂતોના પરસેવાથી બનેલા માર્કેટયાર્ડને ઘરની પેઢીની જેમ ચલાવાય છે ? કોણ છે ફુટેલા?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાંથાવાડા ગંજબજારની હાલત અંગે અને શંકાસ્પદ વહીવટ અંગે રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા બાદ કોણ કેવી ગેમ રમી રહ્યું તેનો આ સ્પેશિયલ અહેવાલ છે. વિગતો મેળવતાં જે સામે આવ્યું તે અત્યંત ગંભીર અને ચોંકાવનારું છે. ખેડૂતોની ખરાં પરસેવાથી ધમધમતા માર્કેટયાર્ડને દિગ્ગજ સત્તાધીશો ઘરની પેઢીની માફક ચલાવી રહ્યા છે. આ સમગ્ર ગતિવિધિથી વાકેફ હોવા છતાં કેટલાક પ્રામાણિક ડિરેક્ટરો બોલી શકતાં નથી. બેફામ ખર્ચા પાડવાનાં, મનસ્વી ઠરાવો કરવાના, પ્રાઇવેટ માર્કેટને મદદરૂપ થવાના કારનામા ચાલી રહ્યા છે. આ તમામ કારનામા પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જાણે ઘરની પેઢી હોય તેમ સમજીને સત્તાધીશો ચલાવી રહ્યા છે. આટલું જ નહિ મામલો ગાંધીનગર ગયો તો ખબર પડી કે, ત્યાં પણ ફોડી નાખવામાં આવ્યા છે. કોણ છે ફુટેલુ અને કોણ ગુંદરીના તદ્દન પ્રાઇવેટ માર્કેટને મદદરૂપ થઈ રહ્યું તે જાણીએ.....
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા માર્કેટયાર્ડથી અલગ પડીને બનેલા પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજારની રોનક ધીમે ધીમે ઝાંખી પડી રહી છે. હકીકતમાં પડી નથી રહી પરંતુ જાણીજોઈને ઝાંખી પાડી ગુંદરી નજીક આવેલા ખાનગી માર્કેટને મજબૂત કરવાનો કારસો છે. આ આક્ષેપનો પણ ઘટસ્ફોટ થઇ જતાં હવે મહેનતું અને પ્રામાણિક ખેડૂતો માટે ઉંઘમાંથી જાગવાનો સમય પાકી ગયો છે. વર્ષોથી પાંથાવાડા માર્કેટયાર્ડને ચલાવતાં સત્તાધીશો મનસ્વી પ્રવાસ, બેફામ ખર્ચ, સેસનો કાળો વહીવટ કરવા ટેવાઇ ગયા છે. ઘરની પેઢી હોય તેમ સત્તાધીશો સુપર ક્લાસ વન અધિકારીને પણ ટક્કર મારે તેવી લક્ઝુરીયસ સગવડો પાંથાવાડા ગંજબજારના ખર્ચે ભોગવી રહ્યા છે. તમે કલ્પના પણ ના કરી શકો એવી સગવડો ભોગવી રહ્યા છતાં ખેડૂતો અને વેપારીઓ માટે પ્રાથમિક સગવડોની પણ આપૂર્તિ કરતાં નથી. પાંથાવાડા ગંજબજાર ધારે તો ઉંઝા પછી બીજા નંબરે આવી શકે તેટલી ક્ષમતા ધરાવે પરંતુ "સ્વમોજમાં" બેફામ ખર્ચ પાડી સહકારી માર્કેટયાર્ડને તોડવામાં લાગ્યા છે.
સૂત્રોએ જણાવ્યું છે કે, સહકારી આવકમાંથી બેફામ બનતાં કદાચ બધાને "સાચવવા" પડતાં હોવાથી સત્તાધીશોએ નવો રસ્તો બનાવ્યો છે. પાંથાવાડા ગંજબજારથી ઉજળાં બનેલા સત્તાધીશોએ છેક ગાંધીનગર સુધી સાચવવાની પળોજણથી દૂર થવા હવે પ્રાઈવેટ એટલે કે ખાનગી માર્કેટને "વન-વે" કરવા દોડધામ શરૂ કરી છે. પાંથાવાડા ગંજબજારનો સુપર પાવર ગણાતો અંદરનો જ જ્યારે પ્રાઇવેટ માર્કેટનો સર્વેસર્વા બને ત્યારે ખેડૂતોની હાલત ? આટલું જ નહિ, આ સુપરપાવર વ્યક્તિની કોઈ ફરિયાદ ગાંધીનગર જાય તો તેનો પણ રસ્તો શોધી લીધો છે. ફુટેલા માણસો મળી જાય તે કહેવતને કારણે સેસમાં ભ્રષ્ટાચાર કે ભરતીમાં ભ્રષ્ટાચારનો અવાજ દબાઇ જાય છે.
કોણ છે ફુટેલા કાટલાં ?
પાંથાવાડા ગંજબજારની બૂમરાણ જો ગાંધીનગર જાય તો શું તુરંત કાર્યવાહી થાય ? થાય તો કેવી તપાસ કે કાર્યવાહી થાય ? આ સવાલનો જવાબ સમજીએ. ગાંધીનગર કચેરીમાં ફરજ બજાવતા પી.કે ચૌહાણ નામના અધિકારી અવારનવાર પાંથાવાડા ગંજબજારના સત્તાધીશોની સેવા લે છે. હવે સેવા પણ કેવી એ જાણીએ. આ પી.કે ચૌહાણ એકદમ ચબરાક છે, પાંથાવાડા ગંજબજારની ફરિયાદનો નિકાલ પોતાના ફાયદા મુજબ કરે છે. કહેવામાં એવું આવી રહ્યું છે કે, રાજસ્થાન ફરવા જવા માટે પી.કે ચૌહાણને માર્કેટયાર્ડની સ્પેશિયલ ગાડી અને ડ્રાઈવર મળે છે. આ સેવાનો પી.કે ચૌહાણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે કે સત્તાધીશોએ ઈરાદાપૂર્વક ભરપૂર ફાયદો આપ્યો છે ? એ સૌથી મોટો સવાલ છે.