બ્રેકિંગ@પાટણ: કુણઘેર શિવધામમાં ભરબપોરે લાગી આગ, જાનહાનિ ટળતા મોટી રાહત

અટલ સમાચાર, ડેસ્ક
પાટણનાં કુણઘેરમાં આવેલ શિવધામમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ચુડેલ માતા ધામ સંચાલિત શિવધામ મંદિર પરિસરમાં આકાર પામેલી અને 70 ફૂટની ઊંચાઈ ધરાવતી શિવજીની પ્રતિમાના નીચેના બેજમેન્ટ ના ભાગમાં આગ લાગી હતી. આ તરફ અચાનક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળતા શિવધામમાં દર્શનાર્થે આવેલા ભક્તજનોમાં અફરા તફરી મચી જવા પામી હતી.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. ત્યારે અવાર નવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. આજે બપોરે પાટણ નજીક કુણઘેર ચુડેલ માતા ધામ સંચાલિત શિવધામ મંદિર પરિસરમાં આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાની જાણ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને થતા તેઓએ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આગની ઘટનાને લઈ પાટણ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ તરફ કોઈ જાનહાનિ નહીં સર્જાતાં લોકો અને ટ્રસ્ટીગણોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાશકારો અનુભવ્યો હતો.