કાર્યવાહી@નડિયાદ: હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એલર્ટ, રખડતા પશુ મુદ્દે પાલિકા અને પશુપાલકો વચ્ચે બેઠક

 
Rakhadata Dhor

અટલ સમાચાર, ડેસ્ક

રખડતા ઢોર મામલે હાઇકોર્ટની નારાજગી બાદ હવે નડિયાદ પાલિકાના અધિકારીઓ દોડતા થયા છે. નડિયાદમાં રખડતા ઢોર પકડવાની સાથે સાથે ઘાસ વેચતા લોકો સામે કાયદાકીય પગલાં ભરવા ઉપરાંત બુધવારે પશુપાલકો સાથે પણ બેઠક યોજીને આ સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. 

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પરીપત્રની ગાઈડલાઈન મુજબ નડિયાદમાં દરેક વિસ્તારના પશુપાલકોને તેમના વિસ્તારમાંથી બિનવારસી ગાયો બહાર મૂકવાની તથા જાહેર માર્ગ ઉપર ગાયો ન આવે તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. તેમજ પરીપત્ર મુજબ પોતાની ગાયોની પરમીટ લેવા તથા ટેગ કરાવવાની કામગીરીમાં સહયોગ આપવા અને આજુબાજુ વિસ્તારમાં રહેતા બીજા પશુપાલકોએ ગાયોને રોડ ઉ૫૨થી દુર રાખવા તથા પોતાના વાડામાં કેપેસીટી પ્રમાણે ગાયો રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.

નડિયાદમાં રખડતા ઢોરના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે હાઇકોર્ટના કડક નિર્દેશ બાદ હવે તંત્ર દોડતું થયું છે. અલગ અલગ વિસ્તારમાંથી રખડતા ઢોર ડબ્બે પુરવાની સાથે સાથે નવા ઢોર ડબ્બા બનાવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. એસી ઓફિસમાં બેસીને આદેશો કરતા અધિકારીઓને પણ હવે ફિલ્ડ ઉપર ઉતરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે આ બધા વચ્ચે બુધવારે પાલિકા ખાતે શહેરના પશુપાલકો સાથે એક બેઠક યોજવામાં આવી હતી.