રિપોર્ટ@ગુજરાત: સસ્તા અનાજ દુકાનદારોના એસોસિએશનની સરકાર સાથેની બેઠક નિષ્ફળ, જાણો હવે શું ?
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારોની હડતાળ પર ઉતર્યા હતા. દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે વાજબી ભાવની દુકાનના એસોસિએશન સાથે સરકારની બેઠક યોજાઈ હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં. આ બેઠક બાદ રેશનિંગની દુકાનના એસોસિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ યથાવત રહેશે.
પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, સસ્તા અનાજ દુકાનદારોની વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયુ ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈપણ સુધારો વધારો થયો નથી. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.
પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ગત સપ્ટેમ્બર-2023માં સસ્તા અનાજના દુકાનદાર એસોસિયનના હોદેદારો સાથે થયેલી બેઠકમાં નક્કી થયા મુજબ ગત સપ્ટેમ્બર 2023ના માસનું તમામ જિલ્લાના વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ કમિશન 20 હજાર પેટે 3.53 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ સિવાય પણ પ્રજાના હિતમાં સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.
બાવળિયાએ કહ્યું હતું કે, ઓક્ટોબર-2023માં રાજ્યના 72.51 લાખ NFSA કુટુંબોને અનાજનું 95 ટકા વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓક્ટોબર માસમાં બાકી રહી ગયેલા કાર્ડ ધારકોને નવેમ્બર માસમાં અનાજ આપવામાં આવશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળના રેશનકાર્ડધારકોને રાહત દરે કાર્ડદીઠ 1 લિટર સીંગતેલ તથા અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડધારકોને કાર્ડદીઠ વધારાની 1 કિ.ગ્રા. ખાંડનું ઓક્ટોબર-2023માં વિતરણ કરાયું છે. ઓક્ટોબર માસમાં 73 હજાર મે.ટન ઘઉં, 1.05 લાખ મે.ટન ચોખા, ખાદ્યતેલ-સીંગતેલના એક લીટરના 67 લાખ પાઉચ, 8500 મે.ટન ખાંડ, 5 હજાર મે.ટન ચણા અને 3300 મે.ટન ડબલફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે.