રિપોર્ટ@ખેરાલુ: વિવાદને અંતે આચાર્યએ લેખિત માફી માંગી, મુસ્લિમ વિદ્યાર્થિનીનું સન્માન કરાયું
અટલ સમાચાર, ડેસ્ક
ખેરાલુના લુણવામાં આવેલી કે.ટી.પટેલ સ્મૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 10માં ટોપર રહેલી મુસ્લિમ વિદ્યાર્થિની અરનાઝનું ફરી સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીને મળેલી ભેટ તેના પિતાએ શાળાને જ આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે શાળાના સંચાલકોએ આ ભેટને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, 15 ઓગસ્ટે દર વર્ષે યોજાતા તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં આ વખતે ટોપર રહેલી અરનાઝની જગ્યાએ બીજા નંબર પર રહેલી અન્યનું સન્માન કરવામાં આવતા વિવાદ થયો હતો. વિદ્યાર્થિની પરંપરાગત સન્માન સમારંભમાં હાજર હોવા છતા અન્યાય થયો હોવાની ઘટના બનતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો.
મહેસાણાના જિલ્લા શિક્ષણ અધિકારી એ.કે.મોઢે કહ્યું કે, શાળાના આચાર્ય અને સંચાલક મંડળે વિદ્યાર્થિનીના ઘરે જઇ વાલીની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી છે અને ગુરૂવારના રોજ પ્રાર્થના સભામાં વિદ્યાર્થિનીનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે જ લેખિતમાં માફી માંગી છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી ખાતરી પણ આપી છે. આ તરફ દીકરીના પિતાએ સન્માન સમારંભ દરમિયાન કહ્યું કે, દીકરી સાથે જે થયું છે તે ભૂલ શાળાએ કબુલ કરી છે. સાથે જ દીકરીના પિતાએ સલાહ આપતા કહ્યું કે, કોઇ ભેદભાવ રાખ્યા વગર જ સ્કૂલ ચલાવજો.
શું હતો વિવાદ?
ગત 15 ઓગષ્ટના દિવસે આઝાદી દિન નિમિત્તે ધોરણ-10માં શાળામાં ગત વર્ષે 1થી 10 ક્રમે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 2022માં ધોરણ-10માં શાળાની મુસ્લિમ વિદ્યાર્થિની અરઝનાબાનુ સનેવરખાન પઠાણ પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ હતી. જો કે ઇનામ વિતરણમાં તેના નામની બાદબાકી કરી ક્રમ 2થી નામોની જાહેરાત કરવામાં આવી અને આ રીતે શાળાએ ભેદભાવ કર્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
અરનાઝબાનુના પિતા સનેવરખાન પઠાણે આ મામલે શાળાના આચાર્ય અનિલ પટેલનો સંપર્ક કરતા તેમણે પહેલાં ટ્રસ્ટી બિપીન પટેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જો કે બાદમાં આચાર્ય અનિલ પટેલે કારણ આપતા જણાવ્યું હતું કે અમારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું જ સન્માન કરવામાં આવ્યું છે. અરઝનાબાનુએ ધોરણ-11માં આવતા શાળા બદલી નાખી છે. આ સન્માનનું આયોજન અમારા સ્ટાફના મિત્રો દ્વારા ચાલુ વિધાર્થીઓને પ્રોત્સાહન માટે રાખ્યું હતું. શાળાના સ્ટાફે પણ આ નિવેદન આપ્યું હતું.
અરનાઝબાનુએ શાળા કેમ છોડી એ અંગે કારણ જણાવતા તેના પિતાએ કહ્યું કે તેમની પુત્રી અભ્યાસમાં ખુબ હોશિયાર છે અને માટે જ શાળામાં ધોરણ-10 પ્રથમ ક્રમે આવી હતી. શ્રી કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યા વિહાર શાળામાં ધોરણ-11-12માં આર્ટસ અને કોમર્સમાં જ અભ્યાસ થાય છે, પણ અરઝનાબાનુએ સાયન્સમાં અભ્યાસ કરવો હોવાથી શાળા છોડી હતી.