કાર્યવાહી@ખેડા: ફેક્ટરીમાંથી શંકાસ્પદ વનસ્પતિ ઓઇલ અને ઘીનો જથ્થો પકડાયો, જાણો વિગત

 
Kheda

અટલ સમાચાર, ડેસ્ક

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ખાતે વાઠવાડી રોડ પર આવેલ બાલાજી માર્કેટિંગ નામની ફેક્ટરીમાંથી પોલીસ અને ગાંધીનગરની ટીમ દ્વારા લાખોની કિંમતનો શંકાસ્પદ વનસ્પતિ ઓઇલ તેમજ ચોખ્ખા ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અગાઉ પણ ખેડા જિલ્લામાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

મહેમદાવાદના વરસોલા ગામ ખાતે વાઠવાડી રોડ પર અમદાવાદના ઘોડાસરના નંદીશ સંજય મોદી નામના ઈસમની વર્ષોથી બાલાજી માર્કેટિંગ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં વનસ્પતિ ઓઇલ અને ચોખ્ખા દેશી ઘીનું ઉત્પાદન કરવામાં આવે છે. દરમિયાન મહેમદાવાદ પોલીસ મથકના પી.આઈ. વી.કે.ખાટ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ ટીમે નંદીસ મોદીની આ બાલાજી માર્કેટિંગ નામની ફેક્ટરીમાં શંકાને આધારે છાપો માર્યો હતો. 

પોલીસ ટીમે ફેક્ટરીમાં તપાસ હાથ ધરતાં લાખોની કિંમતનો શંકાસ્પદ વનસ્પતિ ઓઇલ તેમજ દેશી ઘી નો જથ્થો ઝડપી પાડી તેને સિઝ કરવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન પોલીસ દ્વારા આ અંગે ખેડા જિલ્લા ફ્ટ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફ.એસ.એલ.ને જાણ કરતા બંને ટીમો ત્યાં દોડી આવી હતી. ટીમ દ્વારા ફેક્ટરીમાંથી વનસ્પતિ ઓઇલ તેમજ ઘી ના જથ્થાના સેમ્પલ લઈ તપાસણી અર્થે લેબોટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.