ભ્રષ્ટાચાર@પાટણ: નાણાંપંચની ગ્રાન્ટમાં ગોટાળાનો રિપોર્ટ તૈયાર, કમિશનરના હુકમ બાદ કાર્યવાહી

 
Patan Jilla Panchayat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લામાં અનેક ગ્રામ પંચાયતોમાં નાણાંપંચના હિસાબો નહિ મળતાં થયેલી રજૂઆત અને તપાસમાં ચોંકાવનારી વિગતો મળી હતી. જેનો તદ્દન પારદર્શક રીપોર્ટ તૈયાર કરી વિકાસ કમિશનરને મોકલવાની તજવીજ થઈ છે. જેમાં રીપોર્ટ તૈયાર થઈ ગયો અને ડીડીઓના માધ્યમથી વિકાસ કમિશ્નરને રીપોર્ટ રજૂ થશે. ભ્રષ્ટાચાર થયો હોવાનું રીપોર્ટ આધારે સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હવે ડીડીઓની સહી બાદ વિકાસ કમિશ્નર કચેરીમાં રીપોર્ટ જશે અને રીપોર્ટ આધારે કમિશ્નર આગળની કાર્યવાહીનો હુકમ કરાવશે. આવી સ્થિતિમાં નાણાંપંચમા ગોટાળા મળી આવેલ ગ્રામ પંચાયતોના સરપંચ અને તલાટીઓમાં દોડધામ મચી છે. જાણીએ સમગ્ર અહેવાલ....

પાટણ જિલ્લામાં ચાણસ્મા, શંખેશ્વર અને સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાં 14 માં નાણાંપંચની ગ્રાન્ટમાં ઉચાપત થયાની બૂમરાણ મચી છે. જેની વિકાસ કમિશ્નરે તપાસ કરાવતાં પાટણ જિલ્લા પંચાયતે ત્રણેય તાલુકાની સંબંધિત ગ્રામ પંચાયતોમાં તપાસ કરી રીપોર્ટ તૈયાર કર્યો છે. રીપોર્ટમાં મળી આવ્યું કે, 14 માં નાણાંપંચની ગ્રાન્ટ સામે અનેક કામો ગ્રાઉન્ડ ઉપર નથી. આથી વિવિધ ગ્રામ પંચાયતોમાં અમુક અમુક રકમનો ગોટાળો/ઉચાપત થયાનું જણાઈ આવે છે. આ રીપોર્ટ નાયબ ડીડીઓની ટીમે તૈયાર કરી પાટણ ડીડીઓ સમક્ષ મૂકી દીધો છે.‌ હવે ડીડીઓની સહી થયા બાદ સમગ્ર અહેવાલ ગાંધીનગર વિકાસ કમિશ્નર કચેરીમાં રજૂ થશે. આ પછી કાર્યવાહીનો હુકમ થયા મુજબ પાટણ જિલ્લા પંચાયત ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરી શકે છે. રીપોર્ટમાં ગંભીર નાણાંકીય બાબતો મળી આવી હોવાથી ગેરરીતિ બદલ જવાબદાર સરપંચ અને તલાટી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેટલીક ગ્રામ પંચાયતોમાં એકાદ લાખની રકમનો પણ હિસાબ મળ્યો નથી. એટલે કે મળેલ ગ્રાન્ટ પૈકી નજીવી રકમના કામો સ્થળ ઉપર નથી તો સવાલ એ ઉભો થાય છે કે, જો ઉચાપત છે તો નજીવી રકમની ઉચાપત કોણે અને કેમ કરી અથવા કરાવી ? આટલુ જ નહિ, જો રજૂઆત ના થઈ હોત તો શું કાયમી ધોરણે નાણાંપંચનો ભ્રષ્ટાચાર દબાઇ જાત ? આ સવાલોને પગલે તંત્ર દ્વારા નાણાંપંચની ગ્રાન્ટમાં રકમ ઉપાડવા કે રકમ જે તે કામ સામે ટ્રાન્સફર કરવા બાબતનો નિયમો સખ્ત અને ડીજીટલ કરી દેવામાં આવ્યા છે.‌