દોડધામ@મોરવા: વંદેલી ભ્રષ્ટાચારનો એક રિપોર્ટ તૈયાર, બીજો બાકી, જાણો વધુ શું બોલ્યા ધારાસભ્ય સુથાર

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોરવાહડફ તાલુકામાં ભ્રષ્ટાચારનો મોર હવે ટૂંક સમયમાં ખુલીને નાચગાન કરશે ત્યારે અત્યારથી જ દોડધામ મચી ગઇ છે. વંદેલી ગ્રામજનોના વિકાસને લૂંટનારાઓ પોતાના વિરુદ્ધ કાર્યવાહી થવાની સંભાવના પારખી હરકતમાં આવ્યા છે. કેવી છે ભ્રષ્ટાચારની તપાસ તે બાબતે ધારાસભ્ય નિમિષાબેને જણાવ્યું કે, મેં ખુદ ડેપ્યુટી ડીડીઓ સાથે વાત કરી છે, જેમાં એક રિપોર્ટ સબમિટ થઈ ગયો છે. આવો જાણીએ વંદેલીના ભ્રષ્ટાચારનો ભાંડો ફોડવા જાગૃત ધારાસભ્યએ વહીવટી તંત્રને આપેલી સુચનાનો સ્પેશિયલ રિપોર્ટ....

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાની વંદેલી ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી છે. પંથકમાં બાહુબલી ગણાતાં તેમજ પોતે મોટો જનાધાર ધરાવતાં હોવાની શેખી મારતાં સત્તાધીશોના ગામમાં ભ્રષ્ટાચાર પકડવા ખુદ ધારાસભ્ય નિમિષાબેન સુથારે કમર કસી છે. વંદેલીના ભ્રષ્ટાચાર બાબતે પૂછતાં ધારાસભ્યે જણાવ્યું હતું કે, મેં ખુદ ડેપ્યુટી ડીડીઓ મકવાણા સાથે વાત કરીને તપાસમાં કોઈ કચાશ ના રહે તે જોવા કહ્યું છે અને એક રિપોર્ટ સબમિટ થઈ ગયો જ્યારે બીજો રિપોર્ટ બેથી ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે. જિલ્લા અને તાલુકાની અલગ અલગ ટીમો મારફતે તપાસ કરવામાં આવી રહી છે. વંદેલી જ નહિ બીજા ગામોમાં પણ ભ્રષ્ટાચાર લાગે તો પણ તપાસ થવી જોઈએ. આટલી વાતથી સ્પષ્ટ છે કે, વંદેલી ગામમાં સરપંચનું રિમોટ કંટ્રોલ ધરાવતાં પાર્ટીના બાહુબલીના રિમોટવાળા કામોનો ઘટસ્ફોટ થવા જઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વદેલી ગ્રામ પંચાયતમાં ભલે સરપંચના ચહેરા બદલાય પરંતુ સત્તાનું રિમોટ કંટ્રોલ તો મોંઘી કારમાં ફરતાં બાહુબલીના હાથમાં રહે છે. એટલે કોઈ કહેનાર ના હોય તેમ બેફામ ઉચાપત કરી હોઈ ફરિયાદની જાણકારી ધારાસભ્ય નિમિષાબેન સુધી પહોંચી છે. ધારાસભ્યે પહેલાં તો પ્રાથમિક માહિતી મેળવી અને જે ભ્રષ્ટાચારની વિગતો મળી તેનાથી ખૂબ જ નારાજ બન્યા છે એટલે દાખલારૂપ કાર્યવાહી કરાવવા વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છે.