હવામાન@ગુજરાત: રાજ્યમાં કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ, અમદાવાદમાં 40 તો ડીસામાં 37 ડિગ્રી તાપમાન

 
Summer

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં માવઠાના માર વચ્ચે આગ ઝરતી ગરમીથી ગુજરાતીઓ શેકાઇ રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ઉચકાઇ રહ્યો છે અને લોકોને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદ સહિતના શહેરમાં ગરમી વધી છે. અમદાવાદ અને ભુજમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 20 એપ્રિલ સુધી 40થી વધુ ડિગ્રી તાપમાન અને બાદમાં 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આશંકા છે.

આજે અમદાવાદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં પણ પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. બીજી બાજુ, હજુ તાપમાન 3 ડિગ્રી સુધી વધશે. આવતા 3 દિવસ સતત તાપમાન વધશે. હાલ જ્યાં 40 ડિગ્રી તાપમાન છે ત્યાં તાપમાન 43 ડિગ્રી પહોંચી શકે છે. આજે અમદાવાદમાં 40.4, વડોદરામાં 39.2, સુરતમાં 39.2, રાજકોટમાં 38.9, ડાંગમાં 39.4, ભુજ 39.9, સુરેન્દ્રનગર 39, કેશોદ 38, ડિસા 37, ગાંધીનગર 37, મહુવા 39, પોરબંદર 33, દ્વારકા 29, ઓખા 31, વેરાવળ 33, દિવ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બીજી બાજુ, આકરી ગરમી વચ્ચે માવઠાનો માર પણ સહન કરવો પડશે. ખેડૂતો 3 દિવસ માવઠા માટે તૈયાર રહે. 11 એપ્રિલથી 3 દિવસ માવઠાના એંધાણ છે. 11 એપ્રિલે કચ્છમાં માવઠાની સંભાવના છે. જ્યારે 12 એપ્રિલે 8 જિલ્લામાં માવઠાની સંભાવના છે. ઉપરાંત 13 એપ્રિલે 11 જિલ્લામાં માવઠાની આગાહી છે. 12 એપ્રિલે બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, સાબરકાંઠા, બોટાદ, અમરેલી, ભાવનગરમાં આગાહી છે. જ્યારે 13 એપ્રિલે અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં આગાહી છે.