ચિંતા@અમદાવાદ: વરસાદી વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગોના કેસોમાં સતત વધારો
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં સતત વરસાદી વાતાવરણની વચ્ચે મચ્છરજન્ય રોગના કેસમાં વધારો નોંધાયો છે. ડેન્ગ્યૂના ૩૯૩ તથા ટાઈફોડના ૨૮૫ કેસ નોંધાયા હતા. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૩૬ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે. જ્યારે ૧૮૮ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી તડકાના અભાવ ઉપરાંત સતત ભેજવાળા વાતાવરણની વચ્ચે મોટાભાગના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. મેલેરીયા, ડેન્ગ્યૂ ઉપરાંત વાઈરલના કેસ ઘેર-ઘેર જોવા મળી રહ્યા છે. મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની સાથે મ્યુનિ.સંચાલિત શારદાબેન, એલ.જી. હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલમાં ઓ.પી.ડી.સારવાર લેવા પહોંચતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવા પામ્યો છે.
શહેરમાં મેલેરિયાના ૮૩, ઝેરી મેલેરિયાના ૮ ઉપરાંત ચિકનગુનિયાના ૬ કેસ નોંધાયા હતા. ડેન્ગ્યૂ માટે ૫૨૮૯ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૨૬૮, કમળાના ૧૧૮ ઉપરાંત કોલેરાના ૬ કેસ નોંધાયા છે. વટવા અને દાણીલીમડા વોર્ડમાં અનુક્રમે બે-બે જ્યારે ઈન્દ્રપુરી તથા ચાંદલોડીયા વોર્ડમાં કોલેરાનો અનુક્રમે એક-એક કેસ નોંધાયો હતો.