દોડધામ@પાવાગઢ: વિશ્રામ સ્થળના પથ્થરોનો સ્લેબ તૂટ્યો, અનેક દબાયા, એક મહિલાનું કમકમાટીભર્યું મોત

 
Pavagadh

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોને બેસવા માટે બનાવવામાં આવેલ વિશ્રામ સ્થળનો સ્લેબ અચાનક તૂટી પડતાં દોડધામ મચી ગઇ છે. આજે બપોરે ગાજવીજ સાથે વરસાદ વરસતાં કેટલાક યાત્રાળુઓ રેનબસેરા નીચે આવ્યા હતા. આ દરમ્યાન વિશ્રામ સ્થળના પથ્થરોનો સ્લેબ અચાનક ધડાકાભેર નીચે બેઠેલા, ઉભા કે આરામ કરતાં યાત્રિકો ઉપર તૂટી પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તાત્કાલિક રાહત બચાવની કામગીરી બાદ એક મહિલાનું કમકમાટીભર્યું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાળકો સહિતના અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે. ભ્રષ્ટાચારનો સ્લેબ તૂટતાં યાત્રાળુઓને મોતનું તાંડવ જોવું પડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

Pavagadh

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે ભરઉનાળે વરસાદી માહોલ વચ્ચે યાત્રાળુઓ માચી નજીક સુશોભિત પથ્થરોની બનાવેલ વિશ્રામ સ્થળની અંદર ગયા હતા. આ દરમ્યાન પથ્થરોનો સ્લેબ એકાએક ધરાશાયી થતાં અનેક યાત્રાળુઓ ચિચિયારીઓ વચ્ચે દબાઇ ગયા હતા. ગણતરીના સેકન્ડોમા લોકો એકઠા થઇ રાહત કામગીરીમાં લાગ્યા હતા. તંત્રની બચાવ કામગીરી દરમ્યાન સામે આવ્યુ કે,

કોંક્રીટના ભારે સ્લેબ નીચે દબાયેલાં 3 પુરુષ, 3 મહિલા અને 2 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર રીતે ઈજા થતાં મોતને ભેટી હતી. દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આસપાસના અન્ય યાત્રિકોએ પણ ભારેખમ પથ્થરો ઉઠાવી યાત્રિકોને બહાર કાઢી ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. 

Pavagadh

સૂત્રોએ જણાવ્યું હતું કે, તદ્દન નવો દેખાતી સુશોભિત પથ્થરોની વિશ્રામ બેઠકનો ઉપરનો ભાગ કેમ ધરાશાયી થયો તે ગંભીર સવાલ છે. આ ચોંકાવનારી દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષ સિવાયના તમામ ઈજાગ્રસ્તો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ રહ્યા ઈજાગ્રસ્તો અને મૃતકના નામ

1.ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, મૃત્યુ પામ્યા)

2. મીનાબેન ખુમાનસિંહ પલાસ (21વર્ષ) 

3. રાજવંશ મહેશભાઈ દેવીપૂજક (21વર્ષ)

4. સુમિત્રાબેન વેલસિંહભાઇ રાઠવા (18 વર્ષ) 

5. વિજયભાઈ ભાઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ) 

6. મારીબેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)

7. દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)

8. સોનલબેન વિજયભાઈ દેવીપૂજક (30 વર્ષ)

9. દક્ષ વિજયભાઈ દેવીપૂજક (2 વર્ષ)