આક્રોશ@સુરત: સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામના વિરોધમાં સ્થાનિકોના પ્રતિક ધરણા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલી શ્રધ્ધા હાઉસિંગ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાથી સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બંગ્લાના નામે પ્લાન પાસ થયેલો અને મંજૂરી મેળવાયેલી હોવા છતાં કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો દ્વારા પ્રતિક ધરણા ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. સાથે જ સ્થાનિકો જણાવી રહ્યાં છે કે, જ્યાં સુધી બાંધકામ અટકાવવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે.
શ્રદ્ધા સોસાયટીના લોકો મહિલા સહિત પ્રતીક ઉપવાસ ઉપર ઉતર્યા છે. ત્યારે જયદીપ કાપડીયાએ કહ્યું કે, બાંધકામ કોમર્શિયલ હોવાથી વિરોધ કરી રહ્યાં છીએ. રહેવા માટેની મંજૂરી આ સોસાયટીમાં છે. તેમ છતાં અહિં કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું છે. જેથી અમે અગાઉ અનેકવાર પાલિકામાં રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ નિર્ણય પર તંત્ર ન આવતાં ના છૂટકે અમારે આ ઉપવાસનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે આ પ્રકારે વિરોધ કરીશું.
સુમુલ ડેરી મેઈન રોડ ઉપર કોમર્શિયલ બિઝનેસ હાઉસનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્થાનિક પ્રફુલ્લ ભંડેરીએ આરોપ મુકતા કહ્યું કે, મનપા સહિત તમામ જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી કરાઈ. અમને કહેવામાં આવે છે કે, ઉપયોગ થાય ત્યારે જોઈશું. મનપા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે મેળા પીપળામાં ચુપકીદી સામે વિરોધ કરી રહ્યાં છીએ. જ્યાં સુધી કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી ધરણાં પ્રદશનની ચીમકી ઉચ્ચારીએ છીએ.