ખળભળાટ@મોરવા: વંદેલીના ભ્રષ્ટાચારની ચારેકોરથી તપાસ, રિમોટ કંટ્રોલ વ્યક્તિના કારણે મહિલા સરપંચને.....

 
Morva

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મોરવાહડફ તાલુકાની વંદેલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કોઈ મુદ્દે અથવા કોઈ એક ગ્રાન્ટમાં નહિ હોય એટલે તપાસ પણ વિસ્તૃત થઇ રહી છે. ધારાસભ્ય નિમિષાબેને જણાવ્યું કે, અલગ અલગ ટીમો બનાવીને તપાસ ચાલી રહી છે. નાણાંપંચ સિવાય ટ્રાયેબલની ગ્રાન્ટમાં પણ ગેરરીતિ હોવાથી રિમોટ કંટ્રોલના કારણે મહિલા સરપંચને દોડધામ થાય તે સ્વાભાવિક છે. જોકે કોઈપણ સંજોગોમાં પોતાના પરિવારની મહિલાને તકલીફ ના પડે તે માટે રિમોટ કંટ્રોલ ધરાવતાં બાહુબલીએ મથામણ આદરી છે. હજુ તો તમામ રિપોર્ટ સબમિટ નથી થયા અને કાર્યવાહીનો હુકમ પણ નથી થયો તો પણ મામલો ગરમાયો છે. જો ભ્રષ્ટાચાર થયો હોય તો ધારાસભ્ય મેડમ કોઇપણ સંજોગોમાં કાર્યવાહી કરાવવા ઈચ્છી રહ્યા એટલે વંદેલીમાં દોડધામ છે.

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાની વંદેલી ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં અત્યારે અધિકારી અને કર્મચારીઓના ધાડેધાડા ઉતર્યા હોઈ ગામમાં જોરશોરથી ચર્ચા છે. આટલા વર્ષોમાં એવો તે કેટલો અને કેવો વહીવટ સરપંચ અને તલાટીએ કર્યો કે, તપાસ કરવા ટીમો ઉતારવી પડી? વંદેલીની તપાસ બાબતે ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્પષ્ટ જણાવ્યું કે, જિલ્લા અને તાલુકાની ટીમો વિવિધ મુદ્દે તપાસમાં લાગી છે અને ઝડપથી તપાસ પૂર્ણ થાય તેવો પ્રયાસ છે. ભ્રષ્ટાચારીઓ માનવતાને ધિક્કારરૂપ હોઇ કોઈપણ સંજોગોમાં આવું ચલાવી લેવાય નહિ. આ શબ્દોથી એક વાત સમજી શકાય કે, વંદેલીનો ભ્રષ્ટાચાર આખા પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી થયેલા ભ્રષ્ટાચારનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં મહિલા સરપંચ છે પરંતુ મહિલા સરપંચ સાથે અથવા તેમના પતિ સાથે સતત સંપર્કમાં રહી રિમોટ કંટ્રોલ ધરાવતાં બાહુબલી જ પડદા પાછળ મેઈન છે. આથી જો ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટે અને કાર્યવાહીના ઓર્ડરમાં કદાચ સપને પણ ના વિચાર્યું હોય એવું થાય તો ? એવી સંભાવનાને પણ ધ્યાનમાં રાખી રાજકીય બાહુબલી ભ્રષ્ટાચાર નથી થયો તેવી બૂમાબૂમ કરી રહ્યા છે. જોકે તપાસની પધ્ધતિ અને ખુદ ધારાસભ્ય પણ એક્ટિવ હોવાથી મામલો વહીવટી ઓછો અને રાજકીય વધુ બન્યો છે. આટલુ જ નહિ, જો ભ્રષ્ટાચાર મોટો નિકળે તો ભવિષ્યના રાજકીય સોગઠાંમાં પણ ઉપયોગ બને તેમ જોવાઇ રહ્યું છે.