દુ:ખદ@સુરત: શ્વાનના હુમલામાં ઘાયલ થયેલી બે વર્ષની બાળકીનું સારવાર દરમ્યાન મોત

 
Surat Civil Hospital

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ખજોદમાં બે વર્ષની બાળકીને ત્રણ જેટલા શ્વાન દ્વારા 40 જેટલાં બચકાં ભરવાની ઘટનામાં બાળકીનું મોત થઈ ગયું છે. શ્વાનના હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેની સારવાર ચાલી રહી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નથી. 19મી ફેબ્રુઆરીએ બાળકી રમી રહી હતી ત્યારે તેના પર શ્વાનોએ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ખજોદના ડાયમંડ બુર્શમાં બાળકીને શ્વાનોએ માથા તથા ફેંફસાના ભાગે બચકાં ભરી લેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. સુરતમાં એક જ મહિનામાં શ્વાન દ્વારા હુમલો કરવાની ચાર ઘટનાઓ બની છે. શ્વાનના હુમલા બાદ સારવાર દરમિયાન મોતને ભેટેલી બાળકી મૂળ પશ્ચિમ બંગાળના પરિવારની હતી જે ખુલ્લામાં રમી રહી હતી ત્યારે શ્વાન કરડવાની ઘટના બની હતી. 

બાળકીની સારવાર ચાલી રહી હતી પરંતુ તેની ગંભીર હાલત હોવાના કારણે જીવ બચાવી શકાયો નથી. બાળકીનું બુધવારે મોડી રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જે જગ્યા પર બાળકીને કૂતરાંએ બચકાં ભરી લીધા હતા તેની નજીકમાં મહાનગર પાલિકાનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે અને અહીં કૂતરાંનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના ઘણાં વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.