ગંભીર@ફતેપુરા: મહિલા એકાઉન્ટન્ટે મનરેગાના કામ સામે લાખો રૂપિયા લીધાની અરજીથી હડકંપ

 
Dahod

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ફતેપુરા તાલુકામાં મનરેગાના બહુચર્ચિત બેફામ ઉઘરાણાં મામલે ફાઇલવાળા નાગરિકે ચોંકાવનારી અરજી કરી છે. મનરેગાના કામ સામે એક લાખથી વધુની રકમ ટકાવારી પેટે પડાવી છતાં ચૂકવણું નહિ કર્યા બાદ અરજદારે સનસનીખેજ આક્ષેપ કરતી ફરિયાદ જિલ્લા પંચાયતને કરી છે. આટલુ જ નહિ, તત્કાલીન ટીડીઓના નામે ટકાવારી લીધી તો શું નવા ટીડીઓની પણ ટકાવારી લેવી છે તેવો સવાલ ફરીયાદીએ કર્યો છે. આ સાથે મહિલા એકાઉન્ટન્ટ શું પૈસાના ભૂખ્યા છે તેવો સવાલ અને આક્ષેપ અરજીમાં કરતાં તાલુકા પંચાયતમાં મનરેગાની પારદર્શકતા શંકાસ્પદ બનતી જાય છે. મહિલા એકાઉન્ટન્ટને આ મામલે પૂછવાનો પ્રયત્ન કરતાં ફોન ઉપાડવાનું ટાળતાં રહ્યા જ્યારે એટીડીઓ વારંવાર કહે છે કે, તપાસ ચાલુ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

Dahod

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતના મનરેગા શાખાનાં મહિલા એકાઉન્ટન્ટ વિરુદ્ધ નાના મટવા ગામનાં દિલીપભાઈ ચરપોટે ચોંકાવનારી અરજી કરી છે. અરજીમાં જણાવ્યું કે, મનરેગા હેઠળ કેટલાક કામો કર્યા પછી મહિલા એકાઉન્ટન્ટે પોતાની અને તત્કાલીન ટીડીઓના ટકાવારી પેટે 1 લાખ 35 હજાર માંગ્યા હતા. ટકાવારી સાંભળી ચોંકી ગયા પછી અરજદારે ઉછીનાં ભેગાં કરીને આપ્યા હતા. આ પછી પણ ચૂકવણું નહિ થતાં અરજદારે સમગ્ર મામલે ફતેપુરા ટીડીઓને ફરીયાદ કરી અને ડીડીઓને જાણ કરી છે. આટલુ જ નહિ, રૂપિયા આપ્યા ત્યારે પાટડીયાના કાંતિભાઈ સંગાડા અને શૈલેષભાઈ ભેદી પણ હાજર હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી દિલીપભાઈ ચરપોટે જો એમ જ આક્ષેપ કર્યા હોય ? અથવા શું મહિલા એકાઉન્ટન્ટને હેરાનગતિ કરવા ખોટી અરજી કરી છે? આ સવાલના ઉંડાણમાં જતાં મોટો ઘટસ્ફોટ ખુદ એટીડીઓ અસારીએ કરતાં જણાવ્યું કે, આ મહિલા એકાઉન્ટન્ટ વિરુદ્ધ ખૂબ ફરિયાદો આવી રહી છે. આથી જિલ્લામાંથી તપાસ ચાલી રહી હોવાથી આગામી સમયે કોઈ પરિણામ આવી શકે છે. આ દરમ્યાન ફતેપુરા તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાન સુભાષભાઈ પારગીએ જણાવ્યું કે, મહિલા એકાઉન્ટન્ટ ઉપર કોઈ મોટા નેતાનાં આશીર્વાદ હોઈ શકે છે નહિતર આટલી મોટું સાહસ ના થાય. બેફામ ઉઘરાણું લેવું જ ખોટું છે અને લીધા પછી ચૂકવણું ના કરવું એ ખૂબ ગંભીર કહેવાય.