ક્રાઇમ@અમદાવાદ: પત્નિને મારવા રૂમની બાર બેસી રહ્યો પતિ, અંદર મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા પર તેના પતિએ એટલી હદે અત્યાચાર ગુજાર્યો કે, બેટથી મારવા માટે બે કલાક રૂમની બહાર બેસી રહ્યો. જોકે પરિણીતાએ રૂમમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. લગ્ન બાદ તેનો પતિ અવારનવાર દહેજ બાબતે તેમજ ઘરના કામકાજ બાબતે વારંવાર તેની સાથે મારઝૂડ કરીને ત્રાસ આપતો હતો. પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે પણ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જો કે, સમાજના આગેવાનો મારફતે સમાધાન કરીને તેને પરત સાસરીમાં મોકલી હતી. પરંતુ તેનો પતિ અવારનવાર તેને ત્રાસ આપતો હતો. છ-આઠ મહીના પહેલાં પણ તેને મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી.
આ અંગે પરિણીતાએ હરીયાણાના રેવાડી જિલ્લાના કસોલા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. આ સમયે પણ તેનો પતિ તેને વોટ્સઅપમાં મેસેજ કરતો હતો કે, તારા પિતાની પ્રોપર્ટીમાં હિસ્સો છે તે હિસ્સો લઇને જ મારા ઘરે આવશે. પરંતુ બાળકોનું ભવિષ્ય ખરાબના થાય તે હેતુથી પરિણીતા સમાધાન કરીને પરત સાસરીમાં આવી હતી. પરિણીતાને તેનો પતિ દહેજ બાબતે મારઝૂડ કરીને ત્રાસ આપતો હોવાની જાણ પણ તેના માતા-પિતાને કરી હતી. જ્યારે તેની સાસુ પણ પતિની ચડામણી કરતી અને દિયરે પણ એક વખત તેના પર હાથ ઉપાડ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઇકાલે જ્યારે પરિણીતાએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ તેનો ભાઇ અમદાવાદ આવ્યો હતો અને તેને જાણવા મળ્યું હતું કે, તેની બહેનને પતિ મારતો હતો અને આત્મહત્યા કરવા માટે દબાણ કરતો હોવાથી સ્યૂસાઇડ નોટ લખી તેના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
જોકે આ અંગે પરિણીતાના ભાઈએ તેના દીકરા-દીકરીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પરિણીતાના પતિએ બેટથી માર માર્યો હતો અને બચવા માટે તે રૂમમાં જઈને અંદરથી રૂમ બંધ કરી દીધો હતો. ત્યારબાદ રૂમ ખોલાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના પતિએ રૂમ ખોલવા દીધો નહતો અને બે કલાક સુધી બેટ લઇને રૂમની બહાર બેસી રહ્યો હતો. તે ન્હાવા જતાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસે આવીને દરવાજો તોડતા પરિણીતા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ, સાસુ અને દિયરની વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.