હડકંપ@ધ્રાંગધ્રા: લાઇટની ચોરી શોધી મહિલા ઈજનેર તોડ કરી લેતાં, જાણો કેવી રીતે 1.54લાખની લાંચમાં ઝડપાયા

 
ACB Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

ધ્રાંગધ્રા શહેરમાં થયેલી એસીબીની સફળ રેડને પગલે સૌથી મોટા 2 ઘટસ્ફોટ થયા છે. એક તો લાઇટની ચોરી થતી પકડી સરકારમાં નાણાં ભરાવવાની ફરજ છતાં મહિલા ઈજનેર પોતાનુ ઘર ભરતાં હતા. બીજું કે, અત્યાર સુધી આવી રીતે મહિલા ઈજનેર ચૌધરીએ કેટલી વીજચોરી શોધી અને કેટલામાં અધધધ... સેટિંગ્સ કર્યું હશે? તે સવાલ સૌથી ચોંકાવનારો છે. છેલ્લા કેટલા સમયથી સરકારને આંખમાં ધૂળ નાંખતા હશે એ તપાસમાં આવશે પરંતુ જેવી રીતે જાગૃતિને કારણે મહિલા ઈજનેર ઝડપાઇ ગયા તે પણ જાણવા સમજવા લાયક છે. મહિલા ઈજનેર વીજચોરીમાં તોડ કરવા સ્પેશ્યલ ખાનગી માણસો રાખતા હતા તેનો પણ ઘટસ્ફોટ ઓછો નથી. જાણીએ સમગ્ર અહેવાલ.

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિજ પુરવઠો પૂરો પાડે છે. જેમાં આ વિસ્તારના એક રહીશ જે જગ્યાએ ભાડાંના મકાનમાં રહે છે ત્યાં ધ્રાંગધ્રા શહેરમાં સ્થિત પીજીવીસીએલની કચેરીના ડેપ્યુટી ઈજનેર રત્નાબેન અનિલકુમાર ચૌધરી વિજ મીટરની તપાસમાં ગયા હતા. આ દરમ્યાન તે મીટરમાં ગેરરીતી જણાતાં વીજ મીટર ઉતારી સાથે લઇ ગયા હતા. આ પછી વીજ મીટર સંબંધિત વ્યક્તિ પી.જી.વી.સી.એલની ધાંગધ્રા કચેરી ખાતે જઇ રૂબરૂમાં મહિલા ઈજનેર ચૌધરીને મળતાં ચોંકાવનારો જવાબ આપ્યો હતો. જો વીજચોરીની આ મેટર પૂરી કરવી હોય તો પતાવટ માટે જશાપર ગામનાં ભરતભાઇ ડુંગરભાઇ સાંગઠિયાને મળી લેવા કહ્યું હતુ. આ પછી વીજ મીટર સંબંધિત વ્યક્તિ ભરતભાઇને મળતાં ભરતભાઇએ ત્યાંથી તુરંત મહિલા ઈજનેર ચૌધરીને મોબાઈલ ઉપર વાત કરી હતી. ત્યારે મહિલા ઈજનેર ચૌધરીએ સાવચેતીપૂર્વક નાણાંકીય વ્યવહાર પૂરો કરવાનું જણાવ્યું અને લાંચની રકમ નક્કી કરી હતી. આ પછી ભરતભાઇએ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર પાછું લગાવડાવી દેવાની અવેજીમાં રૂ.૨,૦૦,૦૦૦/-ની માંગણી કરી હતી. જોકે રકજકના અંતે રૂા. ૧,૫૦,૦૦૦/- મહિલા ઈજનેર ચૌધરીને આપવાના તથા રૂપિયા ૪,૦૦૦/ ભરતભાઇને મળે તે રીતે કુલ ૧,૫૪,૦૦૦/-ની માંગણી કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ૧,૫૪,૦૦૦ લાંચ પેટે શનિવારે આપી જવા જણાવેલ ત્યારે વીજ મીટર સંબંધિત વ્યક્તિ લાંચની રકમ આપવા માંગતા ના હોઈ ગાંધીધામ એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આથી ફરિયાદ અન્વયે ગાંધીધામ એસીબી પોલીસે લાંચના છટકાનું આયોજન કરતા ધ્રાંગધ્રા નગરપાલિકા પાસે મહિલા ઈજનેર ચૌધરીના કહેવાથી ભરતભાઇ રૂ.૧,૫૦,૦૦૦/- તથા પોતાનાં રૂપિયા ચાર હજાર સ્વીકારી લીધા હતા. આ દરમ્યાન રૂ. ૧,૫૦,૦૦૦ ભરતભાઇએ તુરંત પોતાની સાથે આવેલ જશાપર ગામનાં મેરૂભાઇ પારગીને આપી રૂ.૪૦૦૦/- તેઓના ખીસ્સામાં રાખી લીધા હતા. બરોબર આ સમયે ગાંધીધામ એસીબી પોલીસે મહિલા ઈજનેર સહિત ત્રણેય આરોપીઓ પકડી તાત્કાલિક અસરથી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.