ગંભીર@રાજકોટ: કેદીને મળવા જેલમાં આવેલી મહિલાએ ઝેર ગટગટાવી લીધું, જાણો પછી શું થયું ?

 
Gondal Sub Jail

અટલ સમાચાર, ડેસ્ક

ગોંડલ સબ જેલની અંદર જ મહિલાની મુલાકાતે આવેલી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોંડલ તાલુકાની સબ જેલમાં આજે સવારે મહિલા મુલાકાતી તરીકે આવી હતી. તે સમયે જ અચાનક મહિલાએ ઝેરી દવા પી લીધી હતી અને તે ઢળી પડી હતી. સબ જેલના સ્ટાફને જાણ થતા તેમને અધિકારીઓને આ બાબતે ધ્યાન દોર્યું હતું. જે બાદ તરત જ જેલર અને પોલીસ કર્મચારીઓએ તાકીદે સરકારી દવાખાને ખસેડી હતી.

 

આ અંગે વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલના જેલર મશરૂભાઈ ગમારાએ જણાવ્યું હતું કે, સવારે પોણા અગ્યાર વાગ્યાના સુમારે કોઈ અજાણી મહિલા કેદીને મળવા માટે આવી હતી, ત્યાં ગેટ પર ફરજ પરના કોન્સ્ટેબલ મેહુલસિંહ વાળાએ આધાર કાર્ડ માંગતા અજાણી મહિલાએ આધાર કાર્ડ ઝેરોક્ષ કરાવીને લાવું છું, તેવું કહી કંપાઉન્ડમાં પહોંચી હતી. જ્યાં તેની સાથે લાવેલી ઝેરની બોટલ પી લેતા તે ઉલટી કરવા લાગતા પોલીસ કર્મચારીઓ દોડી ગયા હતા અને જેલની ગાડીમાં જ મહિલાને સરકારી હોસ્પિટલે ખસેડી હતી. જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.