દુર્ઘટના@કરજણ: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવતી વખતે ક્રેન તૂટી પડતાં શ્રમિકનું મોત, 3 ઇજાગ્રસ્ત

 
Karjan

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા જિલ્લાના કરજણના કંબોલા નજીક એલ એન્ડ ટી દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જોકે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતાની સાથે એક શ્રમિકનું મોત થયુ છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

આજે સવારે કરજણ તાલુકાના કંબોલા ગામ પાસે મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ક્રેન તૂટી પડવાની દુર્ઘટના ઘટી છે. આ ગોઝારી ઘટનામાં એક શ્રમિક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ સાથે અન્ય બે શ્રમિકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કંબોલા ગામ પાસે ખેતરમાંથી બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી ત્યાં L&T કંપની દ્વારા બ્રિજ ઉપર ક્રેન ગોઠવીને કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આ ક્રેન અચાનક નીચે તૂટી પડતા ક્રેન નીચે દબાઈ જવાથી શ્રમિક મોતને ભેટ્યો હતો. બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

બુધવારે ભાવનગરમાં પણ મોટી દુર્ઘટના બની હતી જેમાં માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો. જેમા અનેક લોકો દટાયા હતા જ્યારે એક મહિલાનું આ દુર્ઘટનામાં મોત થયુ છે. ભાવનગરના આ કોમ્પ્લેક્ષમાં ત્રણ માળ સુધી દુકાનો આવેલી છે. આ સાથે ઉપરની બાજુ લોકો રહે છે. દુકાનાના બાલ્કનીના સ્લેબ ધરાશાયી થયા છે. વિગત પ્રમાણે પાંચ જેટલા લોકોને સામાન્ય ઇજા થઇ છે. આ સાથે બે લોકો દટાયા છે. આ દુર્ઘટનામાં અનેક દુકાનોને નુકસાન થયુ છે. આ દુર્ઘટનામાં અવાજ એટલો મોટો હતો કે, આસપાસના લોકો પણ અહીં એકઠા થઇ ગયા હતા.