અકસ્માત@ચાણસ્મા: કંબોઈ કેનાલ પાસે ઇકોની ટક્કરે બાઇકસવારનું ઘટનાસ્થળે જ મોત, એક ઇજાગ્રસ્ત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

ચાણસ્મા તાલુકામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ કંબોઈ ગામે પસાર થતી કેનાલ નજીક ઈકો ચાલકે બાઇકને અડફેટે લેતાં ઝુલાસણના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓથી વધુ સારવાર માટે કલોલ વિનાયક હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ ચાણસ્મા પોલીસ મથકે ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લાનાં કડી તાલુકાના ઝુલાસણ ગામે રહેતા ધીરાજી ચતુરજી ઠાકોર, ઈશ્વરજી ચતુરજી ઠાકો૨, અનુપજી ચતુરજી ઠાકોર અને કુરસીજી તલાજી ઠાકોર બે બાઈક પર સોમવારે કાંકરેજના ટોટાણા ખાતે બેસણામાં જવા માટે નીકળ્યા હતા. આ દરમ્યાન ઈશ્વરજી ચતુરજી તથા કુરશીજી તલાજી બંને જણા ઈશ્વરજીના બાઈક ઉપર સવાર હતા. નવેક વાગ્યાના સુમારે ચાણસ્માંથી આગળ કંબોઈ કેનાલ પાસે બાઈકને પાછળથી ઇકો ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ઈકો મૂકી ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તને 108ની મદદથી ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ જ્યાં ઈશ્વરજી ચતુરજીને જમણા પગમાં ઢીંચણથી નીચે ગંભીર ઇજાઓ થયેલ હોય અને ફ્રેક્ચર થઈ ગયેલ તથા કુરશીજીને પણ જમણા પગના ઢીંચણથી નીચેના ભાગે ફ્રેક્ચર થયું હતું.તેઓને સારવાર દરમિયાન સોમવાર બપોરે ઈશ્વરભાઈનું મોત થયું હતું. જ્યારે કુરસીજીને સારવાર કરાવી વધુ સારવાર માટે કલોલ વિનાયક હોસ્પિટલ ખાતે લઈ ગયેલ છે. આ અંગે ધીરાજી ચતુરજી ઠાકોરે ચાણસ્મા પોલીસ મથકે ઇકોના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.