ઘટસ્ફોટ@પાટણ: સુરક્ષા વગર ફેક્ટરીમાં ઉંચી જગ્યાએ ચડતાં પટકાયો યુવાન, થયું મોત, ડીસ કચેરીનો રીપોર્ટ મહત્વનો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
સિધ્ધપુર ઉંઝા હાઇવે પરની એક ફેક્ટરીમાં યુવકના મોત મામલે દોડધામ મચી ગઇ છે. મૃતદેહ નહિ સ્વીકારવાની અને સામે પોલીસની કાયદાકીય ગતિવિધિ વચ્ચે ડીસ કચેરીની પારદર્શક કામગીરી સૌથી વધુ અગત્યની બની શકે છે. ડીસ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ફેક્ટરીમાં કામ કરતાં યુવાન ઉંચી હાઇટ ઉપર ચડ્યો હતો એટલે પટકાઇ જતાં મોત થયું છે. હવે આ યુવાનને કોણ અને કેમ સુરક્ષાના સાધનો વગર ઉંચી હાઇટ ઉપર ચડ્યો કે ચડાવ્યો તે રીપોર્ટમાં આવશે. આગામી ત્રણ મહિનામાં અહેવાલ પૂર્ણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની છે. હવે અહીં સમજવું પડશે કે, મૃતક યુવકને ચઢાવવામાં આવ્યો કે જાતે ચડ્યો તે મુદ્દે બચાવ અને દલીલ વચ્ચે સાચી તપાસ જ ન્યાય અપાવી શકે તેમ છે. જાણીએ સમગ્ર અહેવાલ.
સિધ્ધપુર ઉંઝા હાઇવે પર ફૂડ પ્રોડક્ટ સંબંધિત ઓલમ ફૂડ ઈન્ગ્રેડિયન્સ ઈન્ડિયા નામની ફેક્ટરી આવેલી છે. અહીં બ્રાહ્મણવાડા ગામનો 34 વર્ષીય યુવાન પાવન દિલીપભાઈ પટેલ ફેક્ટરી માટે કામ કરતો હતો. આ દરમ્યાન ગત દિવસે અચાનક ફેક્ટરીમાં જ કોઈ દુર્ઘટના બનતાં આ યુવાનનું કરુણ મોત થયું હતુ. જેની જાણ મૃતકના પરિવારને થતાં મૃતદેહ નહિ સ્વીકારવાની અને પોલીસ મજબૂત કાર્યવાહી કરે તેવી કાલ સુધી દોડધામ મચી હતી. હવે આ બાબતે ફેક્ટરીમાં કોઈપણ વિષયે સેવા આપતાં ફરજ બજાવતા કર્મચારીની સુરક્ષા અંગે સૌથી મોટી જવાબદારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના નાયબ નિયામક બોળાદને પૂછતાં જણાવ્યું કે, પ્રાથમિક તપાસ કરી છે પરંતુ સંપૂર્ણ તપાસ બાદ રીપોર્ટ તૈયાર થશે. હાલના તબક્કે જાણકારી મળી છે કે, મૃતક યુવકને ઉંચી હાઇટ ઉપર ચડવાનું થતાં પટકાઈ જતાં મોત થયું છે. હવે હાઇટ ઉપર કેમ અને કોણે ચડાવ્યો તેમજ સુરક્ષા કીટ કેમ નહોતી તે તમામ બાબતે તપાસ બાદ કાર્યવાહી થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા સ્થિત ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના તાજેતરમાં નિવૃત્ત થયેલા આર ડી પટેલના સમયમાં અનેક નવી ફેક્ટરી શરૂ થઈ અને જૂની ચાલી રહી તેમાં કર્મચારીઓની સુરક્ષા બાબતે અનેક બાબતે કચાશ રહી છે. આવી સ્થિતિમાં દુર્ઘટનાના વિવિધ કારણો પૈકી ડીસ કચેરીના પારદર્શક વહીવટ બાબતે પણ ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.