ઘટના@ભાવનગર: રખડતા ઢોરના કારણે એક યુવાનનું મોત, અન્ય યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Updated: Sep 28, 2023, 15:06 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં રખડતા ઢોરોને લઈને હાઈકોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરી હતી. રાજ્ય સરકારે સરકારી તંત્રને રખડતા ઢોરો પણ અંકુશ લગાવવા માટે નિર્દેશ આપ્યા હતા, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે રખડતા પશુઓના કારણે રાજ્યના વિવિધ શહેરોમાં અકસ્માતો પણ થતા રહેતા હોય છે.
ભાવનગરમાં પણ રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો હતો. જેમાં રખડતા ઢોરે એક યુવકનો ભોગ લીધો હતો. મળતા અહેવાલ પ્રમાણે રસ્તામાં અચાનક ખુંટીયો આવી જતા તે પસાર થઈ રહેલા બાઈકચાલક સાથે અથડાયો હતો.
આ ઘટનામાં એકનું મોત નિપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં અનીષ મોતિયા નામના યુવકનું મોત થયું હતું. જ્યારે મંગીયા વસાવાને ગંભીર ઈજા થતાં તેને સિહોર હોસ્પિટલ બાદ ભાવનગરની હોસ્પિટલમાં રીફર કરાયો હતો.