લાંચિયા@વલસાડ: શિક્ષકની ફુલ પગારની ફાઇલ પાસ કરવા આચાર્યે માંગ્યા 50હજાર, એસીબીએ ઝડપ્યા

અટલ સમાચાર, ડેસ્ક
વલસાડ જિલ્લામાં ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વિગતો મુજબ એક શિક્ષણ સહાયકે કાયમી શિક્ષક તરીકે નિમણુંક અને ફુલ પગારમાં મુકવા માટે અરજી કરી છે. જોકે શાળાના ઇન્ચાર્જ આચાર્યએ રજીની આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચની માંગ કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. આ તરફ ACBએ ટ્રેપ ગોઠવી શાળાના ઇન્ચાર્જ આચાર્યને 50,000ની લાંચ લેતા ઝડપી પાડયા છે.
વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલ અરૂણોદય સાર્વજનિક વિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ રમણભાઈ પટેલ 50,000ની લાંચ લેતા ઝડપાયા છે. માહિતી મુજબ ફરીયાદીને શિક્ષણ સહાયક તરીકે પાંચ વર્ષ પુર્ણ થતા કાયમી શિક્ષક તરીકે નિમણુંક અને ફુલ પગારમાં મુકવા માટે અરજી કરી હતી. જે અરજીની આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે શાળાના વિકાસના નામે આ કામના આરોપી દિલીપભાઈ આર.પટેલ, ઇન્ચાર્જ આચાર્ય એ રૂ.50,000 લાંચની માંગણી કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેને લઈ એ.સી.બી. સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સુપ્રવિઝન હેઠળ તાપી એ.સી.બી. પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર એસ.એચ.ચૌધરીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જ્યાં કપરાડા અરૂણોદય સાર્વજનિક વિદ્યાલય કાર્યાલયની ઓફિસમાં ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ આર.પટેલને 50,000ની લાંચ સ્વીકારતા રંગહાથે ઝડપી લીધા હતા. જે બાદમાં હવે આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.