જાગો@પાંથાવાડા: માર્કેટયાર્ડમાં લાયસન્સ સામે લાંચની વાત આવે તો એસીબી મદદે આવે? વેપારીઓ જાણો સ્પેશિયલ રિપોર્ટમાં

 
Panthavada

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ગુજરાતભરમાં અત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર કૃષિ પાકોથી ઉભરાઇ રહ્યા છે ત્યારે માર્કેટયાર્ડના સત્તાધીશો પણ વ્યસ્ત છે. આ દરમ્યાન વેપારી મિત્રો પણ શરૂ થયેલા નાણાંકીય વર્ષ માટે નવા લાયસન્સ કે જૂના લાયસન્સ રીન્યુ કરાવવા દોડધામમાં છે. જો આ લાયસન્સની બાબતમાં ગેરકાયદેસર નાણાંની માંગણી/લાંચ લેવાની કોશિશ થાય તો એસીબી તમારી મદદે છે. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારીઓ ડર્યા વગર સંપર્ક કરે, ધોરણસરનુ માર્ગદર્શન અને જરૂરી પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના તમામ પ્રામાણિક અને નવા ઉભરતાં વેપારી મિત્રોને જો લાયસન્સ બાબતે અનઅધિકૃત નાણાંની સમસ્યા આવે તો કેવી રીતે અને ક્યાં માર્ગદર્શન મળી શકે તે જાણીએ.

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એક તરફ કૃષિ ઉપજની આવક છે તો બીજી તરફ વેપારી મિત્રો પણ દોડધામમાં વ્યસ્ત બન્યા છે. દર વર્ષની જેમ પાંથાવાડા માર્કેટયાર્ડના સત્તાધીશો સમક્ષ લાયસન્સ બાબતે રજૂઆત આવતી હોય છે. જોકે આ લાયસન્સ નિયત પ્રક્રિયા, નિયત ફી મુજબ થતી હોય પરંતુ ગેરકાયદેસર રીતે રકમની વાત આવતી નથી. આથી વેપારી મિત્રોને જો લાયસન્સ દરમ્યાન કોઈ જોહુકમી, દબાણ, ગેરકાયદે માંગણી, પરેશાની ઉભી થાય તો બનાસકાંઠા જીલ્લા રજીસ્ટ્રાર અને આખા ગુજરાતમાં કોઇપણ જીલ્લાની એસીબી પોલીસ પણ 24 કલાક મદદે આવી શકે છે.

ગુજરાત રાજ્ય એસીબીની કાર્યપધ્ધતિ મુજબ કોઇપણ સંસ્થા સરકારી નિયંત્રણમાં કે સરકારી ગ્રાન્ટ હેઠળ આવતી હોય અને ત્યાં ચૂંટણી બાબતે સરકારની ભૂમિકા હોય તે જરૂરી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરકારના નિયંત્રણ હેઠળ સમાવેશ થતી હોઇ ગેરકાયદેસર નાણાંની માંગણી થવા ઉપર પ્રતિબંધિત છે. આથી પાંથાવાડા ગંજબજારના વેપારી મિત્રોને જો આવી કોઈ સમસ્યાનો સામનો કરવાની નોબત આવે તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર યોગ્ય માહિતી સાથે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની વડી કચેરી, અમદાવાદનો સંપર્ક કરી છે. આ કચેરીની ઓનલાઇન વિગતો આધારે સીધો સંપર્ક કરી માર્ગદર્શન પણ મેળવી શકાય તેમ એસીબીના સૂત્રોએ જણાવ્યું હતુ.