ગંભીર@પ્રાંતિજ: આકારણી પેટે લાંચ લેવા હેરાન કર્યા, આખરે મહિલા તલાટી અને સાગરિતને એસીબીએ દબોચ્યા

 
ACB
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ફરી એકવાર ઉત્તર ગુજરાતમાં એસીબીએ મોટો સપાટો પાડી રાજ્ય સરકારની પારદર્શક કામગીરીનો પરિચય આપ્યો છે. લાંચમાં મહિલા કર્મચારીએ કેવી મોડસ ઓપરેન્ડી કરી છતાં એસીબી પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. વેપારીને આકારણી લેવી હતી પરંતુ મહિલા તલાટી બહાનાં બતાવી રાખતાં અને આખરે લાળ ટપકાવાનો સિલસિલો શરૂ થયો. જોકે વેપારી લાંચ આપવા ઈચ્છુક નહિ હોવાથી એસીબી પોલીસને ફરિયાદ આપી હતી. સમગ્ર કેસમાં છટકાનુ આયોજન થયું ત્યારે બરોબરના સમયે ગ્રામ પંચાયતની કચેરીમાં જ એસીબી ત્રાટકી હતી. આખરે 30 હજારની લાંચ લેતાં ગામના મહિલા તલાટી અને સાગરિત ઝડપાઇ ગયા હતા. આ ઘટનાના પડઘા સમગ્ર જિલ્લામાં પડતાં લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ...
ACB
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આમોદ્રા ગ્રામ પંચાયત આવેલી છે. આ આમોદ્રા ગામની સીમમાં સ્થાનિક વેપારીએ બીયારણનો “સીડ્સ પ્રોસેસીંગ પ્લાન્ટ’’ બનાવવાની કામગીરી કરી હતી. સીડ્સ પ્રોસેસીંગ પ્લાન્ટનુ બાંધકામ પૂર્ણ થતાં આમોદ્રા ગ્રામ પંચાયતમાંથી આકારણી પત્રક લેવા વેપારીએ દોડધામ કરી હતી. આ માટે વેપારીએ આમોદ્રા ગ્રામ પંચાયતના તલાટી સંધ્યા જયંતિલાલ પરમારનો (ઉ.વ. 38) સંપર્ક કર્યો હતો. જેમાં વેપારી પોતાના પ્લાન્ટના આકારણી પત્રકની માંગણી કરી હતી. જોકે મહિલા તલાટી કોઇપણ બ્હાનું બતાવી પછી આવજો તેમ કહી આકારણી આપવા ફરીયાદીને ધક્કા ખવડાવતા હતા. આ દરમ્યાન પરેશાન થવા છતાં વેપારીએ તલાટીનો અવારનવાર સંપર્ક યથાવત રાખ્યો હતો. આખરે તલાટી સંધ્યાએ આકારણી પત્રકમાં આકારણી ઓછી દર્શાવવા તેમજ 2 વર્ષનો બાકી રેવન્યુ ટેક્ષ પણ ઓછો લેવા સામે રૂપિયા 25,000ની માંગણી કરી હતી.
આ તરફ કાયદેસરનું કામ છતાં લાંચની માંગણી જોઈ સ્તબ્ધ બનેલા વેપારીએ સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન, હિંમતનગર ખાતે ફરિયાદ આપી હતી. વેપારીની ફરિયાદ આધારે પંચો રૂબરૂ ગોઠવી લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમ્યાન તલાટી કમ મંત્રી સંધ્યા અને તેનો સાગરીત નટવરભાઇ મૂળુભાઇ ચમાર જે સરપંચનો પતિ છે તે બંનેએ ભેગાં મળીને રૂપિયા 30,000ની માંગણી કરી હતી. આ લાંચના નાણાં બંન્ને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચોની હાજરીમાં માંગી સ્વીકારી ગુન્હો કરતાં ઝડપાઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં ટ્રેપીંગ અધિકારી વી.એન.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર સાબરકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન અને સુપરવિઝન અધિકારી તરીકે એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમ રહ્યા હતા.