ખળભળાટ@મહેસાણા: સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં ત્રાટકી એસીબી, લાંચ લેતાં અધિકારી પકડાયાં, જાણો ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
મહેસાણા શહેરમાં બહું દિવસે એસીબીએ ચોંકાવનારી અને સપાટો પાડી દેતી સફળ ટ્રેપ પાર પાડી છે. કેન્દ્રની જીએસટી કચેરીમાં અચાનક ગુજરાત એસીબીએ રેડ પાડી ટેક્ષ અધિકારીને રંગેહાથ ઝડપી લીધા છે. અરજદાર વેપારીનો જીએસટી નંબર ચાલુ કરાવવા અધિકારીએ લાંચની માંગણી કરી હતી પરંતુ અરજદાર લાંચ આપવા ઇચ્છતા નહિ હોવાથી એસીબીને ફરિયાદ આપતાં ક્લાસ 2 અધિકારી પકડાઇ ગયા છે. મહેસાણાના માલ ગોડાઉન રોડ ઉપરની જીએસટી ઓફિસમાં એસીબીની રેડને પગલે ખળભળાટ મચી ગયો છે.
મહેસાણા જિલ્લામાં એક વેપારીને પહેલાંથી પોતાની દુકાનનો જીએસટી નંબર હતો. જોકે કોઈ કારણોસર આ વેપારીનો જીએસટી નંબર રદ્દ કેમ નહિ કરવો તે બાબતે સેન્ટ્રલની જીએસટી કચેરીના સુપ્રિટેન્ડેન્ટ રવિશંકર જોશીએ નોટીસ આપી હતી. આથી વેપારી સમગ્ર મામલે મહેસાણા શહેરના માલ ગોડાઉન રોડ પર આવેલી સેન્ટ્રલ જીએસટીની ઓફિસમાં પહોંચ્યા હતા અને પોતાની દુકાનનો જીએસટી નંબર ચાલુ કરવા વિનંતી કરી હતી. આ તરફ સેન્ટ્રલ જીએસટીના જવાબદાર ક્લાસ 2 સુપ્રિટેન્ડેન્ટ રવિશંકર જગદીશચંદ્ર જોશીએ પોતાની ફરજ દરમ્યાન આ વેપારીને જીએસટી નંબર ચાલુ રાખવો હોય તો રૂ.5,000/- ની લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.4,000/- નક્કી થયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારી આ લાંચની રકમ આપવા માંગતાં ના હોવાથી મહેસાણા એસીબીને ફરિયાદ આપી હતી. જેથી મહેસાણા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરે વેપારીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. છટકા દરમ્યાન સેન્ટ્રલ જીએસટીના સુપ્રિટેન્ડેન્ટ રવિશંકર જોશીએ આ વેપારી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.4,000/- ની માંગણી કરી રકમ સ્વીકારી ત્યારે અચાનક કચેરીમાં જ એસીબી ત્રાટકી હતી.જીએસટીની ઓફિસમાંથી જ આરોપી રવિશંકર જોશીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.