દર્દનાક@સુરેન્દ્રનગર: શિવરાત્રિના મેળામાંથી પરત ફરતા મુસાફરોનો અકસ્માત, 2 લોકોના મોત, 15 ઘાયલ

 
Surendranagar Accident

અટલ સમાચાર, ડેસ્ક સોમવારના વહેલી સવારે જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો પૂર્ણ કરી સોમનાથ દર્શન કરી પરિવાર અમદાવાદ પરત જઇ રહ્યો હતો. ત્યારે ચોટીલાથી થોડે દૂર જતા પિકઅપ વાન નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની ઘટનામાં 15થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોચતા સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યાં હતા. 

અમદાવાદ સીટીએમ વિસ્તારમાં આવેલા હાકેશ્ચર સોસાયટીના આડોશ પાડોશના રહિશો બોલેરો પીકઅપ ભાડે કરીને જૂનાગઢ શિવરાત્રિનો મેળો કરવા આવ્યાં હતા અને પરિક્રમા કરીને સોમનાથ દાદાના દર્શને ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદ જવા રવીવારના રોજ નિકળ્યા હતા. જેઓને ચોટીલાથી આગળ પહોચતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપમા બેઠેલા તમામ યાત્રીઓ યાત્રાની યાદો સાથે ઘરે જતા હતા. આ દરમિયાન પીકઅપ વાન ચાલકને અચાનક ઝોકું આવી જતા સ્ટીયરીંગ ઉપરનો ક્ન્ટ્રોલ ગુમાવી દીધો હતો અને પુરઝડપે જતી વાન રોડ ઉપરથી ફંગોળાઇને ધડાકાભેર આગળ રહેલા નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. 

આ અકસ્માતમાં મહાદેવનગરના રહેવાસી ગોવીંદભાઇ લાલજીભાઈ પટેલ ઉ. વ.65નું અને લાલાભાઇનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ચોટીલા હાઇવે પર અકસ્માત સર્જાતા આસપાસના રહીશોએ ઘટનાસ્થળે દોડી આવી બચાવ કાર્ય હાથ ધર્યું હતુ. અને 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તમામને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

નોંધનિય છે કે, આ અકસ્માતની ઘટનામા 15થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં ઇજાગ્રસ્તોમા નરેન્દ્રકુમાર ભીમરામ ધારણેકર, સુનિલકુમાર સુરીચંદભાઇ પ્રજાપતિ, મલકુભાઇ જીતુભાઇ ખવાડી, તેજબહાદુર નાઈ, રાજુભાઈ શુભમણી વીગોંડતી, લાલાભાઇ મદ્દાસી, લાલાભાઇ ભગવાનભાઇ મરાઠી, બાબુભાઇ ચંદા, લાલસીંગ જયાસીંગ સોલંકી, અમીત હીરાભાઈ નાળીવા, સંજય પુરણભાઇ ડગલે, પ્રદિપભાઇ શ્રીરામ મુડેકર, ડાહ્યાભાઈ માનસીંગભાઇ શેઠીયા, યશવંતભાઇ જાદવ, કાર્તિકભાઇ અને યુવરાજભાઇ નાગુરાજભાઇને પ્રાથમિક સારવાર ચોટીલા હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોટીલા નજીક વહેલી સવારે અકસ્માતની જાણ થતા ચોટીલા, થાનગઢ, સાયલા, ડોળીયાની 108 એમ્બ્યુલન્સ વાન તાકીદે અકસ્માત સ્થળે દોડી પહોચી હતી. અને તમામ ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રેફરલ હોસ્પિટલ ચોટીલા લાવવામાં આવતા હોસ્પિટલમાં પણ દોડધામ મચી હતી. જ્યાં તમામ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તમામને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચોટીલા 108ના ઇએમટી ભુપતભાઇ મીઠાપર અને પાયલોટ ભગીરથસિંહ સહિત તમામ 108ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્તોને તાકીદે હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.