ગુજરાતઃ હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ વરસ્યો, હજુ 8 જાન્યુઆરી સુધી પડશે

આજે વહેલી સવારે મહેસાણા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી અનુસાર 8 જાન્યુઆરી સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં આગામી 3 દિવસમાં ભારે ઝાપટા પણ પડવાની શક્યતા છે. વરસાદને કારણે આગામી 2 થી 3 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે મહેસાણા, પાટણ,અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેને કારણે ખેડૂતોને પાકના નુકસાનની ચિંતા સેવાઈ રહી છે. 
   
મહેસાણા જિલ્લામાં ગત રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કમોસમી હળવું માવઠું પડ્યુ છે. મોડાસા, શામળાજી, ભિલોડા, માલપુર વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે. વાતાવરણમાં ધુમ્મસ વધતા વિઝિબિલિટી ઘટી છે. ગત રાતથી જિલ્લા હળવો કમોસમી વરસાદ આવતા માવઠાથી જિલ્લાના બટાકા, ઘઉં, મકાઈ, ચણા, જીરું, વરિયાળીમાં નુકશાનની શક્યતા છે. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી  ધૂમમ્સ વાળું વાતાવરણ છવાયુ છે. વિઝીબિલિટી ઓછી થતાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે.