કાર્યવાહી@રાજકોટ: 11.59 કરોડની છેતરપિંડી કેસમાં ઈસમ ઝડપાયો, પત્નિ ફરાર, જાણો શું છે સમગ્ર મામલો ?

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ પોલીસ દ્વારા વિદેશમાં રહીને ગુજરાતીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ઈસમની ધરપકડ કરવામાં આવી છે. વિગતો મુજબ આરોપીની ઓળખ જતિન પઢિયા તરીકે થઈ છે. જ્યારે તેની પત્ની ફોરમ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ દંપતીએ અત્યાર સુધીમાં 11.59 કરોડની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે વધુ ફરિયાદ મળતા આ આંકડો વધવાની પણ શક્યતા છે.

વિદેશમાં ખાંડ-ચોખા સહિતની ખાદ્ય વસ્તુઓને ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરવાનું કામ કરતાં એક વેપારી સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં વેપારી સાથે અહીંના જ એક દંપતીએ કરોડો રૂપિયાની કિંમતના ઘઉં-ચોખા મગાવી લઈ તેના પૈસા ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. ફરિયાદ મળતા ક્રાઈમ બ્રાન્ચમાં બન્ને સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જેમાં પોલીસે એક આરોપી જતિન અઢિયાને ઝડપી પાડ્યો છે.  

સમગ્ર મામલે રાજકોટ એસીપીએ જણાવ્યું હતું કે, છે કે, કુલ 3 લોકો સામે આવ્યા છે, જેમની સાથે 11.59 કરોડની છેતરપિંડી થઈ છે. આરોપી તરીક જતિન અઢિયા અને ફોરમપેન અઢિયા વિરુદ્ધ પોલીસે કલમ 406, 420 465, 468, 471 અને 120B, 114, 504 અને 506 (1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અપીલ કરી છે રાજકોટ સિવાય અન્ય શહેરોમાં પણ જે કઈ લોકો સાથે જતિન અને ફોરમ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોય તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે.

શું હતી સમગ્ર ઘટના ? 

મીડિયા રિપોર્ટ અનુસાર ઈમ્પોર્ટ-એક્સપોર્ટ પેઢી ધરાવતા રિકી મુકેશ પાબારી નામના વેપારીએ ક્રાઈમ બ્રાન્ચમાં જતિન હરેશ અઢિયા અને તેની પત્ની ફોરમ અઢિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર રિકી પાબારી 2016થી તેના સંબંધી કૌશલ બદિયાની જે આફ્રિકામાં રહેતો હોવાથી તેમને રાજકોટથી ખાંડ અને ચોખાનો જથ્થો મોકલતા હતા અને દોઢ મહિનામાં પેમેન્ટ પણ ક્લિયર થઈ જતું હતું. 

આ દરમિયાન જતિને રિકીને આફ્રિકાથી ફોન કર્યો અને જુનાગઢનો હોવાનું કહીને ચોખા-ખાંડ એક્સપોર્ટ કરવા કહ્યું હતું. પહેલીવારમાં જ રિકીને વિશ્વાસ ન થતાં તેણે ના પાડી. ત્યારે જતિને રિકીને કૌશલ બદિયાનીને પૂછવાનું કહેતા કૌશલે જતિનને નાનપણથી ઓળખતો હોવાની વાત કહેતા રિકીને વિશ્વાસ થયો અને જુલાઈ 2018માં 1.87 કરોડની કિંમતના 520 ટન ચોખા એક્સપોર્ટ કર્યા હતા. 

આ જ રીતે ખાંડની ડિમાન્ડ કરતા રિકીએ ઓગસ્ટ 2018માં 1.85 કરોડની કિંમતી 530 ટન ખાંડ પણ મોકલી આપી હતી. પરંતુ પૈસાની ઉઘરાણી કરતા પૈસા ચૂકવવાની વાત કરી હતી. આ દરમિયાન ફરીથી ચોખા અને ખાંડનો સ્ટોક એક્સપોર્ટ કરાવ્યો પરંતુ રૂપિયા ન ચૂકવતા ફોન કર્યો તો દંપતીએ તેને અપશબ્દો કહ્યા. રકમ મોટી હોવાથી રિકી પોતે આફ્રિકા ગયો અને રૂપિયા માંગતા જતિન અને ફોરમે તેને પતાવી દેવાની ધમકી આપી હતી. આમ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

આ તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે કોમોડિટીના ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ વેપારી સાથે છેતરપિંડી આચરનાર આરોપી જતીન અઢિયા રાજકોટ આવ્યો હોવાની બાતમી મળતા પોલીસની ટીમે તેની ધરપકડ કરી હતી. હાલ તેની પત્ની ફોરમ ફરાર હોવાથી તપાસ કરવામાં આવી રહી છે.