અપડેટ@દેશ: બિલકિસ બાનો કેસનો આરોપી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, સરેન્ડર માટે માંગ્યો વધુ સમય
અટલ સમાચાર, ડેસ્ક
બિલકિસ બાનો કેસમાં આજીવન જેલની સજા પૂર્ણ થયા પહેલા જ મુક્ત કરવામાં આવેલા 11 દોષિતોમાંથી એક ગોવિંદભાઇ નાઇએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજી કરનારે પોતાની અરજીમાં આત્મસમર્પણ માટે થોડો સમય માંગ્યો છે. બિલકિસ બાનો કેસમાં આજીવન જેલની સજા પુરી થયા પહેલા જ ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવેલા 11 દોષિતોમાંથી એક ગોવિંદ નાઇએ સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણ કરવા માટે સમય આપવા એક અરજી દાખલ કરી છે.
આરોપીએ કહ્યું કે, તે પોતાના 88 વર્ષીય પિતા અને 75 વર્ષીય માતાની દેખરેખ કરી રહ્યો છે. સાથે જ તેને દાવો કર્યો કે તે પોતાના માતા-પિતાની દેખરેખ કરનાર એકમાત્ર વ્યક્તિ છે. ગોવિંદ નાઇએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને બે અઠવાડિયાની જગ્યાએ ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે 8 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો રેપ અને તેના પરિવારજનોની હત્યાની ઘટનામાં સમય પહેલા મુક્ત કરવામાં આવેલા 11 દોષિતોને છોડવાનો નિર્ણય રદ કરતા બે અઠવાડિયામાં જેલમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભૂઇયાની બેન્ચે આઠ જાન્યુઆરીએ બિલકિસ બાનો બળાત્કાર કેસના 11 દોષિતોની સજા માફ કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી નાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે બન્ને રાજ્ય (ગુજરાત-મહારાષ્ટ્ર)ની લોઅર કોર્ટ અને હાઇકોર્ટ નિર્ણય લઇ ચુક્યા છે. એવામાં કોઇ જરૂર નથી લાગતી કે તેમાં કોઇ રીતની દખલ આપવામાં આવે. હવે બે અઠવાડિયાની અંદર દોષિતોએ સરેન્ડર કરવું પડશે. કોર્ટે કહ્યું કે આ સ્પષ્ટ થવું જોઇએ કે દોષી કેવી રીતે માફીના યોગ્ય હતા અને સરકારની ઝાટકણી પણ કાઢી હતી.
શું હતી ઘટના?
27 ફેબ્રુઆરી, 2002માં ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં કાર સેવક પરત ફરી રહ્યાં હતા, જેનાથી કોચમાં બેઠેલા 59 કાર સેવકોના મોત થયા હતા. તે બાદ રમખાણ ફાટી નીકળ્યા હતા. રમખાણની આગથી બચવા માટે બિલકિસ બાનો પોતાની બાળકી અને પરિવાર સાથે ગામ છોડીને જતા રહ્યાં હતા. બિલકિસ બાનો અને તેમનો પરિવાર જ્યા સંતાયો હતો ત્યા 3 માર્ચ 2002માં 20-30 લોકોની ભીડે તલવાર અને લાકડીઓથી હુમલો કર્યો હતો. ભીડે બિલકિસ બાનો સાથે બળાત્કાર કર્યો હતો, તે સમયે બિલકિસ 5 મહિનાની ગર્ભવતી હતી અને તેના પરિવારના 7 સભ્યોની હત્યા પણ કરવામાં આવી હતી.