કાર્યવાહી@ગુજરાત: 20 વર્ષે રાજસ્થાનથી ઝડપાયો હત્યાનો પ્રયાસ કરનાર આરોપી, જાણો શું છે સમગ્ર ઘટના ?

 
Porbandar

અટલ સમાચાર, ડેસ્ક

પોરબંદરમાં હત્યાના પ્રયાસના વોન્ટેડ આરોપી 20 વર્ષે ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જૈતારણથી આરોપીની ધરપકડ કરી છે. 20 વર્ષથી આરોપી જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાયેલો હતો. આરોપી વિરુદ્ધ 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 20 વર્ષ બાદ આરોપીની ધરપકડ કરીને ભેદ ઉકેલ્યો. મહિલા ખેડૂતના હત્યાના પ્રયાસના વોન્ટેડ આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પાંચારામ સોલંકીએ 2004માં મહિલા ખેડૂત પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

પોરબંદરના કુતીયાણામાં રહેતા ભુરીબેન ઓડેદરિયા અને તેમના પુત્ર આલાભાઈ વચ્ચે જમીન વહેંચણી બાબતે વિવાદ ચાલતો હતો. જમીન બાબતે ભુરીબેન અને આલાભાઈએ ઝઘડો થયો હતો.જેમાં આરોપી આલા, તેની પત્ની,તથા પકડાયેલ આરોપી પાંચારામ સોલંકી તેમજ તેનો સગીર પુત્રએ ભુરીબેન પર કુહાડી તથા લાકડીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં 3 આરોપી પકડાઈ ગયા હતા. જ્યારે પાંચારામ ફરાર હોવાથી વોન્ટેડ હોવાથી પોરબંદર પોલીસે 10 હજારનું ઇનામ જાહેર કર્યું હતું. 

પકડાયેલ આરોપી પાંચારામ સોલંકી ભુરીબેનના ખેતરમાં મજુરી કરતો હતો.અને ઘટના બાદ ફરાર થઇ ગયો હતો.છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ શોધી રહી હતી.ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે હત્યાના પ્રયાસના વોન્ટેડ આરોપી રાજસ્થાનમાં છુપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરોપી પાંચારામ રાજસ્થાનના જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાતો હતો અને ખેતરમાં મજુરી કરીને જીવન ગુજરતો હતો.એટલું જ નહીં તે ગામથી દુર પોતાનું નાનું ઝૂંપડું બાંધીને છુપાઈને રહેતો હતો. આ પ્રકારે 20 વર્ષમાં તેણે અનેક ગામો બદલી નાખ્યા હતા. પાંચારામની પત્નીએ છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા છે. તેના પુત્રનું અવસાન થયું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

આ હત્યાના પ્રયાસ કેસમાં જમીનની લાલચમાં પુત્રએ જ માતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનું ખુલ્યું. ભુરીબેન પતિના અવસાન બાદ તેમની પાસે 20 વિઘા જમીન હતી.તે તેમને પોતાના 3 પુત્ર આલા, માલદેવ અને આખાને 5-5 વિઘા આપી હતી.અને 5 વિઘા પોતાની પાસે રાખી હતી.પરંતુ માલદેવ સાથે ભુરીબેન રહેતા હોવાથી તેને 10 વિઘા જમીન મળતા આલાને મનમાં વેર આવ્યું અને તેને પાંચારામ સાથે મળીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વોન્ટેડ આરોપીને પકડીને પોરબંદર પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી.