ગંભીર@બાલાસિનોર: આચાર્ય ભૂલ્યા ભાન, શિક્ષિકાઓની હાજરીમાં બેફામ ગાળાગાળી કરી, શિક્ષકને માનસિક ત્રાસ આપ્યો

 
Balasinor

અટલ સમાચાર ડોટ કોમ, લુણાવાડા 

બાલાસિનોર તાલુકાની તળાવ દરવાજા નામની સરકારી પ્રાથમિક શાળાનો એક ઓડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. શાળાના મુખ્ય શિક્ષક એવા આચાર્ય સરકારી ફરજમાં ભાન ભૂલી બેફામ વર્તન કરતાં સામે આવ્યા છે. આચાર્યએ ગત દિવસે શાળાના શિક્ષક સાથે સાવરણી મુદ્દે બાખડ્યા હતા. જેમાં આચાર્યે બાળકોની અને શિક્ષિકા બહેનોની હાજરીમાં અપશબ્દો બોલી માર માર્યાનો આક્ષેપ થયો છે. શાળાના શિક્ષક પ્રદીપકુમારે આચાર્ય વિરુદ્ધ તાલુકા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે. 

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય એ.યુ.શેખ અને શિક્ષક વચ્ચે શાબ્દિક ઘમાસાણની ઓડિયો ક્લિપ ફરતી થઈ છે. પ્રાર્થના સમયે સાવરણી મુદ્દે આચાર્યએ બેફામ વાણીવિલાસ કર્યા બાદ સમગ્ર બાબતે શિક્ષક પ્રદીપ ગિરધરભાઈ પટેલે તાલુકા શિક્ષણ અધિકારીને અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું છે કે, સાફ સફાઈ માટે સાવરણી લાવવા આચાર્યને વારંવાર રજૂઆત કરવા છતાં લાવતાં ન હોવાથી પોતાના ખર્ચે વર્ગરૂમની સાફ સફાઈ માટે સાવરણી લાવ્યા હતા. આ દરમિયાન 20 ફેબ્રુઆરીના રોજ પોતાના વર્ગની સફાઈ દરમ્યાન શાળાના આચાર્ય એ.યુ શેખે પ્રદીપીયા મારે ઓફિસ પહેલાં સફાઇ કરાવવી છે. તેમ કહેતા શિક્ષકે વર્ગની સફાઈ બાદ ઓફિસ સાફ થઇ જશે તેમ કહ્યું હતું. જેને લઇ આચાર્ય ગુસ્સે થઇ શાળાના સ્ટાફ અને બાળકોની હાજરીમાં બેફામ અપશબ્દો બોલવા લાગ્યા હતા.


આટલું જ નહિ પિડીત શિક્ષકને હાથ પકડી વર્ગથી દરવાજા સુધી ખેંચી શાળા બહાર કાઢી મુકવાનો પ્રયત્ન પણ આચાર્ય એ.યુ.શેખે કર્યો હતો. આ પછી શિક્ષિકા બહેનોને જગ્યાએથી દૂર કરી પિડીત શિક્ષકને ચંપલથી માર માર્યો હતો. આ તરફ વર્ગના બાળકોને આચાર્ય એ.યુ .શેખે બોલાવી તેમની ઓફિસમાં બેસાડી દીધા હતા. જેને લઇ શિક્ષકે પૂછતાં તું તો ગાંડો છે, પાગલ છે, તારે બાળકોને ભણાવાનું નથી. હું જે કહું એજ થશે અહીંયા સરકારના નિયમો ચાલશે નહિ, અહીંયા હું કહું એમ જ ચાલશે. તું ગાંડા એક જગ્યાએ બેસી રે તેવા બેફામ અને ગેરવ્યાજબી શબ્દો બોલ્યા હતા.શિક્ષકની ફરિયાદમાં જણાવ્યા મુજબ આચાર્ય એ.યુ.શેખે 20 ફેબ્રુઆરીથી આજદિન સુધી શિક્ષકને ફરજ નહિ બજાવવા દેવા બાળકોને ભણતરથી દૂર કર્યાના આક્ષેપ છે. તેમજ આચાર્યનો માનસિક ત્રાસ પણ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરતા હડકંપ મચી ગયો છે.
 


*આચાર્ય છે વિવાદાસ્પદ*

સૂત્રોએ જણાવ્યું હતું કે, શાળામાં નવા શૌચાલયને આચાર્યએ તાળુ મારી દેતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને ખુલ્લામાં શૌચ જવાની નોબત આવી હતી. જેને લઇ વાલીઓ રોષે ભરાયા હતા. ત્યારે હાલની ઘટનાને લઇ આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ વાલીઓ દ્વારા કરાઇ હતી.


*તપાસ શરૂ કરવામાં આવી*


બાલાસિનોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એ.પાંડોરે જણાવ્યું હતું કે, તળાવ દરવાજા પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ શિક્ષક પ્રદીપભાઈ પટેલની અરજી આધારે બીટ નિરીક્ષકને તપાસ સોંપી છે. જેમાં કાયદેસરની તપાસ કરી જિલ્લામાં રિપોર્ટ કરવામાં આવશે.