શંકાસ્પદ@ગાંધીનગર: જીએલપીસીના 61 કર્મચારીઓ સામેની કાર્યવાહી અધ્ધરતાલ, કોણ અટકાવી રહ્યું, વાંચો રિપોર્ટ

 
Gujarat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ગાંધીનગરથી તમામ જિલ્લાને સ્પર્શતા મોટા સમાચારનો મસમોટો રિપોર્ટ સામે આવ્યો છે. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના 61 કર્મચારીઓની લાયકાત વિરુદ્ધ ગંભીર પ્રકારની ફરિયાદ થઇ છે. જેની તપાસ આપ્યા બાદ મામલો જાણે રફેદફે થઈ ગયો હોય તેવો માહોલ સર્જાયો છે. એટલા માટે કે, વિવાદાસ્પદ કર્મચારીઓનું એક ગૃપ વડી કચેરીએ મળવા ગયું હતું પરંતુ અધિકારીએ સમય ફાળવતાં પરત ફર્યા હતા. જોકે કાર્યવાહીનો મામલો ઉનાળાની શરૂઆતમાં ઠંડક માંગે તેમ ઠંડા બસ્તામાં મૂકાઇ ગયો છે. હવે જાણીએ કોણે અને કેમ એકસાથે અનેક વિરુદ્ધ થઈ શકે તેવી કાર્યવાહી અટકાવી રાખી હશે તે જાણીએ....

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા રાજ્યભરમાં ગત સમયે અને વખતોવખત અનેક ઉમેદવારોની ભરતી કરી કર્મચારીઓ બનાવવામાં આવ્યા છે. આ પછી કોઈ એક જાગૃત નાગરિકે વિગતો મેળવી એક ટેબલમાં વિગતવાર કુલ 61 કર્મચારીઓ લાયકાત વગર નોકરીમાં લાગ્યા હોવાની સનસનીખેજ રજૂઆત કરી હતી. ચોંકાવનારી રજૂઆતને પગલે જીએલપીસી આલમમાં ખળભળાટ મચી જતાં તાત્કાલિક અસરથી પત્ર લખી જિલ્લા વાળાને ખરાઇ કરવા જણાવવામાં આવ્યું હતું. આ પછી મોટી કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાને પગલે જેમનાં વિરુદ્ધ રજૂઆત હતી તેવા કેટલાક કર્મચારીઓ ગાંધીનગર વડી કચેરીએ સાહેબને મળવાં પહોંચ્યાં હતા. જોકે મોટા સાહેબે ટાઇમ જ નહિ આપતાં વિવાદાસ્પદ લાયકાતવાળા કર્મચારીઓ પરત ફર્યા હતા. આટલા સુધી તો એવું હતું કે, કડક, પારદર્શક, ધોરણસરની અને તાત્કાલિક અસરથી કાર્યવાહી થશે પરંતુ ના એવું થયું નથી. એકસામટા અનેક અને લગભગ મોટાભાગના જિલ્લાઓમાં અસર થઈ શકે તેવી શક્યતાને પગલે કાર્યવાહી કડકને બદલે ઢીલીઢફ થઈ ગઈ છે. એક તરફ અનેક જિલ્લાઓમાં નાણાંકીય ગોટાળાની બૂમરાણ અને ફરિયાદો ઉપરની તપાસ પૂર્ણ થઈ નથી અને જ્યાં તપાસ પૂર્ણ થઈ ત્યાં કાર્યવાહી અધ્ધરતાલ છે. તો હવે એકસાથે 61 કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદમાં કાર્યવાહી કાચબા ગતિએ મૂકાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 61 કર્મચારીઓ નિયમોનુસાર લાયકાત ધરાવતાં નથી તેવો ગંભીર આક્ષેપ છતાં તાત્કાલિક તપાસ અને કાર્યવાહી જીએલપીસી કરતી નથી. જો આ 61ને બદલે 20 કે 25 જેટલા પણ લાયકાત વગરના નિકળે તો પણ મોટો ઘટસ્ફોટ થાય અને રિકવરી સહિત પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવી પડે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે, શું ઈરાદાપૂર્વક ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉપરની તપાસ/કાર્યવાહી લટકાવી રાખી છે ? આ મામલે એક્ટિવ મંત્રી રાઘવજી પટેલને ફરિયાદ કરવાની તૈયારી જાગૃત નાગરિકે કરતાં મામલો ફરીથી ઠંડા માંથી બહાર આવીને ગરમાઇ પકડી શકે છે.